મોડાસાના બોડી ગામના ૫૦૦ પરિવારમાંથી ૧૫૦ થી વધુ યુવાનો દેશ સેવામાં કાર્યરત
૫૦ યુવાનો સૈનિક, ૩૦ સીઆઈપીએફ, ૧૦૦ પોલીસ
ભિલોડા: અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના અંતરિયાળ એવા બોડી ગામમાં આશરે ૫૦૦ જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે જેમાંથી ૧૫૦ જેટલા યુવાનો સેના,પોલીસ , સી.આર.એફ માં યુવાનો ફરજ બજાવી રહયા છે. ભણતર – ઘડતર અને દેશસેવા નું ઉતમ ઉદાહરણ પુરુ પાડતું ખોબલા જેવડા બોડી ગામનો દરેક પરિવાર દેશભક્તિના રંગનો નશો ચઢ્યો હોય તેમ પરિવારના યુવાનોને દેશની રક્ષા કરવા પ્રોત્સાહિત કરી રહ્યો છે. સમગ્ર દેશ અત્યારે પ્રજાસતાક દિન ના રંગે રંગાઈ રહયું છે ત્યારે મેરા કર્મા તું . . મેરા ધર્મા તું . . ઉકિતને મોડાસા તાલુકાના બોડીના યુવાનોએ સાચા અર્થમાં સાર્થક કર્યું છે
મોડાસાના અંતરીયાળ ચારે કોર ડુંગરાઓ ની વચ્ચે ઘેરાયેલા ખોબલા જેવડા ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો વર્ષો થી ભારત દેશની સરહદો અને ગુજરાતની સેવા માટે અડીખમ ઉભા છે . પાંચસો ઘર અને આશરે પંદર સો ની વસ્તી ધરાવતુ ગામ થોડાક દાયકાઓ પહેલા પછાત અને મજુરીકામ કરી ગુજરાન ચલાવતા ગામ તરીકે ની છાપ ધરાવતું હતું .
જયારે ગામના યુવાનો ની તનતોડ મહેનત અને દેશદાઝ એ ગામની શકલ બદલી નાખી છે . સમય બદલાતાં ગામના યુવાનો એ ભણતર – ઘડતર અને દેશસેવા ની દાઝ સાથે બોડી ગામના ૧૫૦ થી વધુ યુવાનો દેશની તેમજ રાજય ની રખેવાળી કરવાની ફરજ બજાવી રહયા છે . આજે બોડીના પ૦ થી વધુ યુવાનો સૈનિક , ૧૦૦ થી વધુ યુવાનો પોલીસ અને ૩૦ જેટલા યુવાનો સીઆરપીએફ માં ફરજ બજાવી માતૃભુમિનું ઋણ અદા કરી રહ્યા છે .
ગામના યુવાનોએ તનતોડ જાત મહેનત કરી દેશસેવામાં પોતાનું યોગદાન પ્રદાન કર્યું છે ત્યારે આજે પણ ગામમાં અન્ય બેકાર યુવાનો પણ દિવસ દરમ્યાન છુટક મજુરી સાથે સાથે મા ભોમ ની રક્ષા કરવા માટે વહેલી સવાર અને સાંજે દોડતા અને મહેનત કરતાં નજરે પડે છે .બોડી ગામના યુવાનો કબડ્ડી-ખોખો,દોડ, ઊંચી કૂદ, જેવી અનેક રમતોમાં રાષ્ટ્રીયકક્ષા સુધી પહોંચ્યા છે
મા- બાપ અભણ હતા પણ મનોબળ મજબુત હતું :બોડી ગામના યુવાન રમેશભાઈ ના જણાવ્યાનુંસાર વર્ષો પહેલા બોડી ગામના મોટાભાગ ના મા – બાપ આજુબાજુ ના ગામમાં મજુરી કામ કરતા અને તેમાંથી મોટાભાગના અભણ હતા પરંતુ અમારા મા – બાપ એ દેશની અને માતૃભુમિની રક્ષા કરવા અને સૈન્યમાં જોડાવવા મકકમ મનોબળ પુરુ પાડતા હતા
બોડીના જાંબાવાળા કુવાનું પાણી ઝનુન પેદા કરતું ! :બોડી ગામના અગ્રણી અમૃતસિંહના જણાવ્યાનુસાર ગામના વડીલોના કહેવા પ્રમાણે બોડી ગામમાં ઈડર સ્ટેટ ના સમયમાં જાંબાવાળો નામ તરીકે ઓળખાતો કુવો હતો જેનું પાણી પીવાથી ઝનુન પેદા થતું લોકોમાં જોવા મળતું ત્યારે તે સમયે બોડીના એક વડીલને ઈડર સ્ટેટની જેલમાં પુરવામાં આવ્યા હતા ત્યારે હોળી સમયે તેમને ફાગણીયો ગાયો હતો કે મારા જાંબાવાળાનું પાણી પીવડાવ્યું હોત તો જેલના સળીયા તોડી નાખતો અને ત્યારે તે સમયે બોડીના જાંબાવાળા કુવા સહિત અન્ય દસ ગામોના પાણી લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ જાંબાવાળા કુવાનું પાણી પીધ્યા બાદ જેલમાં બંધ વડીલે જેલના સળીયા તોડી નાખતાં સૌ કોઈ ચોકી ઉઠયા હતા અને તે પછી ઈડર સ્ટેટ દ્રારા આ કુવાને કાયમી પુરી દેવામાં આવ્યો હતો .