ગોધરા હાલોલ બાયપાસ રોડ પર કાર અને ટ્રક ટકરાતા ત્રણના મોત
અમદાવાદ: ગોધરા હાલોલ બાયપાસ રોડ પર દાવડા ગામના પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. જ્યારે બે લોકોને ગંભીર હાલતમાં પહેલા હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા
ત્યારબાદ બંનેને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોધરાથી વડોદરા તરફ સાંજે ૭ -૦૦ વાગ્યાની આસપાસ જઈ રહેલી સ્વીફ્ટ કારમાં પાંચ મિત્રો જઈ રહ્યા હતા. તેઓ જ્યારે દાવડા ગામ પાસે પહોંચ્યા ત્યારે ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં છોટુભાઈ મિસ્ત્રી, રુત્વિક પટેલ(ઉ.વ.૧૭)(રહે, એશિયાડ નગર, હાલોલ), મિલેન્દ્ર શર્મા(ઉ.વ.૩૫), (રહે, એશિયાડ નગર, હાલોલ)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા
જ્યારે નંદુભાઈ ગણપત ભાઈ પરમાર(ઉ.વ.૩૪)(રહે. કંજરી રોડ, હાલોલ) અને શહીદઅલી રીઝવાનઅલી મકરાણી(ઉ.વ.૨૫)(રહે.આસોજ ગામ, તા.વાઘોડિયા, જી. વડોદરા)ને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જે પૈકી શહીદઅલી રીઝવાનઅલી મકરાણીની હાલત નાજુક મનાય છે.