Western Times News

Gujarati News

સંતરામપૂર કોલેજના પ્રોફેસરને ‘નેશનલ વુમન લીડરશીપ એવોર્ડ ૨૦૨૦ ‘ એનાયત થયો

પ્રોફે. ડૉ. કામિની બી. દશોરાને દલિત, આદિવાસી અને પછાત મહિલા સરપંચોના સશક્તિકરણ માટે પ્રભાવી ભૂમિકા ભજવવા બદલ વુમન લીડરશીપ એવોર્ડ મળ્યો

લુણાવાડા:  ઇન્ટરનેશનલ હૉલ, ધ વેસ્ટીન, કોલકતા ખાતે તા. ૨૬મી જાન્યુઆરી,૨૦૨૦ ના રોજ નેશનલ વુમન લીડરશીપ એવોર્ડ સમારંભ FICCIના ચેરપર્સન જ્યોતી જૈનના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ સમારંભમાં  ભારતમાં જુદા જુદા ક્ષેત્રે મહિલાઓના ઉત્થાન અને સશક્તિકરણ ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરતી મહિલાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી


જેમાં મહિસાગર જિલ્લાના સંતરામપુર આદિવાસી આર્ટસ અને કોમર્સ કોલેજના સમાજશાસ્ત્રના પ્રોફે. ડૉ. કામિની બી. દશોરાને દલિત, આદિવાસી અને પછાત મહિલા સરપંચોના સંશક્તિકરણ માટે પ્રભાવી ભૂમિકા ભજવવા બદલ  મિસસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ ૨૦૧૯ના સૂચિસ્મિતા પોલ, ડિરેક્ટર મનીષ મહેશ્વરી(લખોટીયા ગ્રૂપ) કોલકત્તા તથા શિક્ષણવિદ હસિત ચોખાનીના હસ્તે ‘નેશનલ વુમન લીડરશીપ એવોર્ડ ૨૦૨૦’ એનાયત કરવામાં આવ્યો હતો. આ સમારંભમાં ભારતભરમાંથી લગભગ ૨૦૦ મહિલાઓ, સમાજ સુધારકો, કર્મશીલો અને કાર્યકરો  સહભાગી થયા હતા.

પ્રોફે. ડૉ. કામિની બી. દશોરાએ ગુજરાતનાં ૩૦૦ મહિલા સરપંચો પર પીએચ.ડી. નું સંશોધન કર્યું છે. તેમાં મહિલા સરપંચોની સમસ્યાઓ જાણી અને તેના ઉકેલની દિશા બતાવવામાં મહત્વની કામગીરી કરી છે. મહિલા સરપંચોને ગામમાં શૌચાલય બનાવવાની કામગીરીથી માહિતગાર કર્યા છે.

ગામની અંધશ્રધ્ધા નાબૂદ કરવાના સૂચનો તથા ગામમાં બેટી-બચાવો બેટી પઢાવો જેવી યોજનાઓનો લાભ લઈ ગ્રામીણ સમાજમાં પુત્ર-પુત્રીમાં સમાનતા વિષે જાગૃતી ફેલાવી છે. ગ્રામીણ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો વિશે વ્યાખ્યાનો દ્વારા મહિલા સરપંચોને સમજ આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે. અનેક મહિલા સરપંચોને ડૉ. કામિનીએ માર્ગદર્શન આપી અનુકૂલન અને સમાયોજન દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટેની પ્રેરણા આપી છે. આમ, ગ્રામીણ મહિલાઓના સશક્તિકરણમાં પ્રો. ડૉ. કામિની દશોરાએ અસરકારક ભૂમિકા ભજવી છે તે બદલ નેશનલ વુમન લીડરશીપ એવોર્ડ એનાયત  થયો છે.

ડૉ. દશોરા શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમના ૧૮ પુસ્તકો પ્રકાશિત થયેલ છે. નોંધપાત્ર સંખ્યાના સંશોધન લેખો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત થયેલ છે તથા અનેક આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સ્તરે તથા રાજ્ય કક્ષાના સેમિનાર,કોન્ફરન્સમાં શોધપત્રો  રજૂ કર્યા છે. યુજીસી અંતર્ગત  સંશોધન પ્રોજેકટ પૂર્ણ કરેલ છે પ્રોફે. કામિની દશોરા શિક્ષણ ક્ષેત્રે પ્રતિબધ્ધ રીતે કાર્ય કરી રહ્યા છે.

શિક્ષણ અને સમાજ કાર્ય ક્ષેત્રની શ્રેષ્ટ કામગીરી બદલ પ્રોફે. કામિની દશોરાને અગાઉ ગુજરાત સમાજશાસ્ત્ર પરિષદ દ્વારા યુવા સમાજશાસ્ત્રીનો એવોર્ડ બેસ્ટ શોધ પત્ર લખવા બદલ પ્રાપ્ત થયો હતો. સુલભ ઇન્ટરનેશનલ ઈન્સ્ટીટયુશટ દ્વારા “શૌચાલય અને સ્વચ્છતા” અંગેની જાગૃતિ બદલ દિલ્હી મુકામે સન્માન કરાયું હતું, ઉદયપુરની સંસ્થા દ્વારા ‘યંગ સોશ્યલસાઇન્ટિસ્ટ એવોર્ડ તથા મુંબઈ મુકામે ગ્લોબલ ટીચર રોલ મોડેલ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ના વાઇસ ચાન્સેલર ર્ડો. પ્રતાપસિંહ ચૌહાણ, સંસ્થાના પ્રમુખશ્રી વનરાજસિંહ ડામોર, આચાર્યશ્રી ડૉ. અભય પરમાર, દ્વારા કોલેજ તથા યુનિવર્સિટીનું નામ નેશનલ સ્તરે રોશન કરવા બદલ તેમને ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.