Western Times News

Gujarati News

હોન્ડા ગુજરાત પ્લાન્ટમાં ૯૨૦ કરોડનું રોકાણ કરશે: ૨૦૨૭ સુધીમાં નવી પ્રોડક્શન લાઇન શરૂ કરશે

File Photo

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં હોન્ડાનો ‘લેન્ડમાર્ક એચિવમેન્ટ’ કાર્યક્રમ

વિઠ્ઠલાપુર (માંડલ), મે ૨૨, ૨૦૨૫: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં તા. 22-05-2025ના રોજ વિઠ્ઠલાપુર ખાતે હોન્ડા કંપનીના ‘લેન્ડમાર્ક એચિવમેન્ટ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં હોન્ડા કંપનીની એક મહત્વપૂર્ણ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી. Honda to add 4th production line at Vithalapur plant in Gujarat; to invest ₹9.2 billion

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ જિલ્લાના વિઠલાપુર ખાતે હોન્ડા મોટરસાઇકલ કંપની દ્વારા વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ યુનિટ ઉત્પાદનની અને ભારતમાં ૭ કરોડ યુનિટ ઉત્પાદન કરવાની માઈલસ્ટોન સિધ્ધીના ઉજવણી પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ ‘ઓપરેશન સિંદૂર’ની ભવ્ય સફળતા માટે  દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય સેનાના જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું કે હોન્ડા મોટરસાયકલ કંપનીએ પણ  વિશ્વમાં ૫૦ કરોડ અને ભારતમાં ૭ કરોડ ટુ-વ્હીલર ઉત્પાદન કરવાની સિદ્ધિ મેળવી છે એ ગૌરવપૂર્ણ ઘટના માટે ખૂબ અભિનંદનને પાત્ર છે.

કાર્યક્રમને સંબોધિત કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું, “હોન્ડા કંપનીની આ સિદ્ધિ ફક્ત કંપનીની જ નહીં પરંતુ ગુજરાતની અને ભારતની પણ સિદ્ધિ છે. આ પ્રકારની આંતરરાષ્ટ્રીય કંપનીઓની ગુજરાતમાં હાજરી અને તેમની સફળતા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર બનાવવામાં મહત્વનો ફાળો ભજવે છે.”

મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, “ગુજરાત સરકાર ઉદ્યોગ-વ્યવસાય અને ઔદ્યોગિક વિકાસ માટે હંમેશા સહાયક વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરે છે. હોન્ડા જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ ગુજરાતમાં તેમના ઉત્પાદન કેન્દ્રો સ્થાપીને રાજ્યના આર્થિક વિકાસમાં યોગદાન આપે છે.”

હોન્ડા કંપની દ્વારા ગુજરાત પોલીસને સીબી-૩૫૦ મોડલની 50QRT મોટરસાયકલ અર્પણ કરાઈ

         તેમણે કહ્યું કે આજથી બે-અઢી દાયકા પહેલાં ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રની કોઈ ચર્ચા જ નહોતી. ૨૦૦૧માં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું એ પછી રાજ્યમાં તમામ ક્ષેત્રોની જેમ ઓટોમોબાઇલ ક્ષેત્રમાં પણ ઇકોસિસ્ટમ વિકાસાવી છે. એક સમયે આ વિસ્તારમાં જ્યાં વિકાસની કોઈ સંભાવના નહોતી, એવો આ માંડલ-બેચરાજી-વિઠલાપુરનો વિસ્તાર આજે ઓટોમોબાઈલ હબ બન્યો છે. તેના મૂળમાં વડાપ્રધાનશ્રીની વિઝનરી લીડરશીપ છે. 

         શ્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘મેક ઇન ઇન્ડિયા, મેઈડ ફોર ધ વર્લ્ડ’ સૂત્ર દ્વારા ભારતે આજે ગ્લોબલ ઇકોનોમીમાં મજબૂત ભાગીદારી બનાવી છે. માંડલ-બેચરાજી-વિઠલાપુરના ઓટો હબના ઉદ્યોગોએ સૂત્રને સાકાર કરે છે.

         વડાપ્રધાનશ્રીની વાત દોહરાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ-જીડીપીની સાથે જીઈપી-ગ્રોસ એમ્પાવરમેન્ટ ઓફ પીપલ આધારિત વિકાસ જરૂરી છે, તેના માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાત આજે મેન્યુફેક્ચરિંગ, સેમિકન્ડકટર અને ગ્રીન હાઇડ્રોજન સહિત ઈ-મોબિલિટી જેવા ઉભરતા ક્ષેત્રોનું હબ બની રહ્યું છે. આના કારણે રોજગાર સર્જન અને અન્ય નાના-મોટા ઉદ્યોગોના વિકાસથી GEPની નેમ પાર પડશે. 

         વાયબ્રન્ટ ગુજરાત સમિટની પ્રથમ શ્રેણીથી જ જાપાન ગુજરાતના વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર રહ્યું છે તેમ જણાવી તેમણે કહ્યું કે, વિઠલાપુર ખાતે હોન્ડાનો ચોથો પ્લાન્ટ શરૂ થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી મોટો ઓટોમોબાઇલ પ્લાન્ટ બનશે. જેનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું સર્જન થશે. તેની સાથે આ પ્લાન્ટ મહત્ત્વના નિકાસકાર તરીકે ઊભરી આવશે.

          મુખ્યમંત્રીશ્રીએ બદલાતાં પર્યાવરણીય પરિપ્રેક્ષ્યમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પર ભાર મૂકીને ઝીરો કાર્બન ઉત્સર્જનના વડાપ્રધાનશ્રીએ આપેલાં સંકલ્પમાં જોડાવાની સૌને અપીલ કરી હતી.

          આ પ્રસંગે હોન્ડા કંપનીના પ્રેસિડન્ટ અને સીઈઓ શ્રી ત્સુત્સુમુ ઓતાનીએ વિઠલાપુર ખાતેના હોન્ડા મોટરસાઇકલના પ્લાન્ટની ચોથી પ્રોડક્શન લાઇનના પ્રારંભની જાહેરાત કરતાં કહ્યું કે ૬.૫૦ લાખ યુનિટની ઉત્પાદનક્ષમતા ધરાવતી આ નવી પ્રોડક્શનલાઇન વર્ષ-૨૦૨૭ સુધીમાં સંપૂર્ણપણે કાર્યાન્વિત થઈ જશે. પરિણામે, વિઠલાપુર પ્લાન્ટની કુલ ક્ષમતા ૨૬.૧૦ લાખ યુનિટની થતાં આ પ્લાન્ટ વિશ્વનો સૌથી વધુ ઉત્પાદન કરતો પ્લાન્ટ બની જશે. એટલું જ નહીં, આનાથી ૧૮૦૦ જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. તેમણે એમ પણ કહ્યું કે સંસ્થા કાર્બન ન્યૂટ્રાલિટી વધારવા પર અને અકસ્માતની સંખ્યા ઘટાડવાની તકનીકો પર પણ કંપની કામ કરી રહી છે.

         હોન્ડા મોટરસાઇકલના એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી મિનોરુ કાતોએ કંપનીના પ્રારંભથી અત્યાર સુધીની યાત્રા વિશે માહિતી આપી જણાવ્યું કે વર્ષ-૧૯૪૮માં શરૂ થયા બાદ હોન્ડા કંપની હાલ ૨૩ દેશોમાં ઉત્પાદન કરી રહી છે. વર્ષ-૧૯૮૪થી ભારતમાં કાર્યરત થયા બાદ હાલ કુલ ચાર મુખ્ય પ્લાન્ટ છે. તેમણે કહ્યું કે આજે વૈશ્વિક સ્તરે ૫૦ કરોડ મોટરસાઇકલના ઉત્પાદનનું સીમાચિહ્ન પ્રાપ્ત કરવામાં ભારતના વપરાશકારોનો ફાળો મહત્ત્વનો છે.

         હોન્ડા કંપની દ્વારા મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સામાજિક જવાબદારીના ભાગરૂપે ગુજરાત પોલીસને સીબી-૩૫૦ મોડલની ૫૦ ક્યૂઆરટી મોટરસાયકલ પણ અર્પણ કરવામાં આવી હતી.

         આ પ્રસંગે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ સુશ્રી મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર શ્રી પી. સ્વરૂપ, અમદાવાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિત કંપનીના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.