રોહિત-કોહલીની ટીમમાં ગેરહાજરી વર્તાશે પણ અન્ય માટે તક રહેશેઃ ગંભીર

નવી દિલ્હી, ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, ટેસ્ટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર રોહિત અને કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓ વગર રમવાનો ટીમ સામે પડકાર રહેશે.
પરંતુ બીજીતરફ યુવા ખેલાડીઓને જવાબદારી સ્વીકારવાની તક પણ પ્રાપ્ત થશે. કોહલી અને રોહિતે ચાલુ મહિને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભારતીય ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસમાં પાંચ ટેસ્ટની સિરીઝ રમવા જઈ રહી છે તે અગાઉ જ બંને ખેલાડીઓએ નિવૃત્તિ જાહેર કરી હતી. શનિવારે ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતની ટીમ જાહેર થશે.
ખેલાડીએ ક્યારે રમવાનું શરૂ કરવું અને ક્યારે નિવૃત્ત થવું તે વ્યક્તિગત નિર્ણય હોય છે. કોચ, પસંદગીકાર કે દેશનો કોઈપણ વ્યક્તિ ખેલાડીને નિવૃત્તિ અંગે જણાવી શકે નહીં, તેમ ગંભીતે ઉમેર્યું હતું.
ભારતીય ટેસ્ટ ટીમમાં નેતૃત્વ તથા અનુભવની દ્રષ્ટિએ મોટી જગ્યા પડશે જેને ભરવી સરળ નહીં હોય. શું રોહિત અને કોહલી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપમાં રમશે તેવું પૂછતા ગંભીરે જણાવ્યું કે, વન-ડે વર્લ્ડ કપમાં ઘણો લાંબો સમય બાકી છે. તે પૂર્વે ભારતની યજમાનીમાં એક મહત્વની ટુર્નામેન્ટ ટી૨૦ વર્લ્ડ કપ રમાશે. ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ અમે સંપૂર્ણ ધ્યાન ટી૨૦ વર્લ્ડ કપ પર કેન્દ્રીત કરીશું.SS1MS