અમેરિકામાં વરસાદી આફતઃ ટેક્સાસમાં ૨૮ બાળકો સહિત ૧૦૦થી વધુના મોત

ટેક્સાસ, અમેરિકાના ટેક્સાસ હિલ કંટ્રીમાં ચોથીથી છઠ્ઠી જુલાઈના રોજ આવેલા અતિભારે વરસાદના કારણે વિનાશક પૂરથી તારાજી સર્જા છે.
વિનાશક પૂરના કારણે ૨૮ બાળકો સહિત ૧૦૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે. કેર કાઉન્ટીના અધિકારીઓના જણાવ્યાનુસાર, અસરગ્રસ્ત કેર કાઉન્ટીમાં કેમ્પ મિસ્ટિક અને અન્ય ઘણાં સમરના કેમ્પ છે.
કેર કાઉન્ટીમાં શોધકર્તાઓને ૨૮ બાળકો સહિત ૮૪ લોકોના મૃતદેહ મળ્યા છે, જેના કારણે ટેક્સાસમાં મૃત્યુઆંક ૧૦૪ થયો છે.વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે, ‘સ્થાનિક અને ફેડરલ હવામાન સેવાઓએ પૂર પહેલા કેર કાઉન્ટી સમુદાયને પૂરતી ચેતવણી આપી હતી. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ અઠવાડિયાના અંતમાં ટેક્સાસમાં પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે. પરંતુ આ સંદર્ભમાં હજુ સુધી અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.’
મીડિયા રિપોટ્ર્સ અનુસાર, ટેક્સાસના ઇતિહાસમાં પ્રથમ વખત આ પ્રકારનું ભયાનક પૂર આવ્યું છે. મૃત્યુઆંક ૧૦૪ થયો છે. જેમાં ૨૮ બાળકો પણ સામેલ છે. ટેક્સાસમાં મિસ્ટિક સમર કેમ્પમાં આવેલી ૧૦ બાળકીઓ સહિત ૪૧ જણ ગુમ છે. વહીવટી તંત્ર તમામની શોધ અને બચાવ કામગીરી કરી રહ્યું છે. આ કેમ્પમાં ૭૫૦ બાળકીઓએ ભાગ લીધો હતો. જેમાં ઘણી પૂરમાં તણાઈ ગઈ છે.
હજી પરિસ્થિતિ કાબૂમાં આવી નથી. જેથી મૃત્યુઆંક વધવાની ભીતિ છે.અમેરિકન મીડિયા રિપોર્ટ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવડ્ર્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો.
એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ ૧.૮ લાખ કરોડ ગેલન વરસાદ પડ્યો હતો. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં ૧૦થી ૧૫ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ ૮ ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો.
આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર ૪૫ મિનિટમાં ૨૬ ફૂટ સુધી વધ્યું હતું. જેના લીધે પૂરની તારાજી સર્જા હતી. વહીવટીતંત્રના જણાવ્યા પ્રમાણે,૧૭૦૦થી વધુ ટીમો તહેનાત કરવામાં આવી છે. લગભગ ૮૫૦ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.SS1MS