હેલ્મેટ નહીં પહેરનારા વાહનચાલકો સામે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ શરૂ કરી

Files Photo
અમદાવાદ: હેલ્મેટ મરજિયાત કરવાના નિર્ણયથી હેલ્મેટ ફરજિયાત કરવાના સોગંદનામા સુધીના ૫૭ દિવસ બાદ માંડ રાહતનો અહેસાસ કરી રહેલા વાહનચાલકોને આજથી ફરજિયાત હેલ્મેટ પહેરવી પડી છે. ટ્રાફિક વિભાગે ફરી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી દીધી છે. જાકે હેલ્મેટ પહેરવી કે નહીં એ મુદ્દે લોકો અવઢવમાં હતા. જેથી કેટલાંક વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર નીકળ્યા હતાં.
જેમાંના કેટલાંકને દંડ ભરવો પડ્યો હતો. રાજ્યભરમાં શરૂ થયેલ હેલ્મેટ બાબતે ટ્રાફિક નિયમોની અમલવારીના પગલે આજે શહેરમાં પણ ટ્રાફિકના નિયમોની અમલવારી કરાવવા પોલીસ દ્વારા અલગ-અલગ સ્થળોએ ચેકિંગ કરાયું હતું. બપોરે ૧૨ વાગ્યા સુધીમાં મોટી સંખ્યામાં વાહન ચાલકો ટ્રાફિક નિયમો ભંગ કરવા બદલ દંડાયા હતા. જેમાં મોટાભાગે હેલ્મેટ પહેર્યા વિના વાહન ચલાવનાર વાહન ચાલકો પોલીસને ઝપટે ચડ્યા હતા.
ટ્રાફિકના નવા કાયદા બાદ દંડની જાગવાઈ ખૂબ જ આકરી હોઈ જેને લઇ પ્રજાજનોમાં ભારે રોષ છે તો બીજી તરફ હેલ્મેટ, પીયુસી, એચએસઆરપી નંબર પ્લેટ સહિતની વ્યવસ્થા પણ પર્યાપ્ત ન હોવાની લોકો ફરિયાદ કરી રહ્યાં છે. અગાઉ રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં શહેરી વિસ્તાર માટે મરજિયાત હેલ્મેટનો જે સુધારો કર્યાે હતો. જેના કારણે વાહનચાલકોને હાશકારો થયો હતો. રાજ્ય સરકારે ૪ ડિસેમ્બરે શહેરી વિસ્તારમાં લોકોને હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ મુ આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શહેરી વિસ્તારમાં ફરજિયાત હેલ્મેટ પહેરવા મામલે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં સોગંદનામુ કર્યું છે. અત્યાર સુધી ટ્રાફિક ભંગના નિયમોના ભંગ બદલ દંડાતા લોકો હેલ્મેટ નહીં પહેરી સૌથી વધુ દંડ ભરે છે. આ અંગે સંયુક્ત પોલીસ કમિશ્નર ટ્રાફિક જે.આર. મોંથલીયાએ જણાવ્યું હતું કે આજથી વાહનચાલકોએ હેલ્મેટ ફરજીયાત પહેરવી પડશે. વિભાગ દ્વારા આજથી હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે.