સોશિયલ મીડિયામાં સ્ટેટસના મામલે પતિએ શંકા રાખીને પત્નીની હત્યા કરી

પ્રતિકાત્મક
અમદાવાદ, વાસણા વિસ્તારમાં પત્નીના ચારિય પર શંકા રાખીને હત્યા કરનારા પતિની પોલીસે ધરપકડ કરી છે. ચામુંડાનગરમાં રહેતી ૪૦ વર્ષીય મહિલા ઘરે હતી ત્યારે વોટ્સએપ પર સ્ટેટસ મૂકતા પતિએ કેટલીક શંકાઓ દાખવી હતી. જે બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને પતિએ પંખાના વાયરથી ગળું દબાવીને પત્નીની હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ આરોપી વતન જવા નીકળ્યો હતો અને નારોલ પાસે પહોંચીને કંટ્રોલરૂમમાં ફોન કરીને બનાવની જાણ કરી હોવાનું સામે આવ્યું છે. વાસણા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં ૧૫ જુલાઈએ ૪૦ વર્ષીય મીના નામની મહિલાની તેના પતિએ જ હત્યા કરી હતી. ચાર પાંચ દિવસથી નરેશ અને તેની પત્ની મીના વચ્ચે ચારિય અંગે શંકા રાખવા બાબતે બોલાચાલી થતી હતી.
મંગળવારે સવારે નરેશે ઝઘડો કરીને પંખાના ઈલેક્ટ્રિક વાયરથી મીનાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ નરેશ પોતાનું ઘર છોડીને નારોલ પહોંચ્યો હતો. જ્યાંથી તેને પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી પત્નીની હત્યા કરી હોવાની જાણ કરી હતી. એ જ સમયે પરિવારના સભ્યોને પણ મીનાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસે આરોપી નરેશ ખિમોરિયાની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પત્નીની હત્યાને અંજામ આપીને આરોપી નરેશ વતન અમરેલી તરફ જવા નીકળ્યો હતો. નરેશને શંકા હતી કે તેની પત્ની મીના સોશિયલ મીડિયામાં સ્ટેટસમાં પોતાના ફોટા મૂકી અન્ય યુવક સાથે સંબંધ રાખી રહી છે.
જે શંકાના આધારે નરેશે પત્નીને વહેલી સવારે મકાનના પહેલા માળે લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. જે બાદ બંને વચ્ચે તકરાર થતાં પતિ નરેશે પત્ની મીનાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આરોપી નરેશ કોઈ કામ ધંધો કરતો નહોતો. ઉપરાંત મૃતક મીનાબેન અનેક ઘરના ઘરકામ કરીને ત્રણ સંતાનની દેખરેખ કરતી હતી. બનાવના બે દિવસ પહેલા બંને વચ્ચે બોલાચાલી થતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ મીનાએ પતિની ધરપકડ ન કરવા કહેતા પોલીસે બંનેને મુક્ત કર્યા હતા.SS1MS