શિક્ષિકાની પરિચીત મહિલાએ ૯.૬૬ લાખના દાગીના સેરવી લીધા

અમદાવાદ , મકરબાના ઓર્ચિડ વ્હાઇટ ફિલ્ડમાં રહેતા પરિવારના ઘરમાં પરિચીત મહિલાએ જ ૯.૬૬ લાખના દાગીના ચોરી લીધા હતા. સરખેજ પોલીસે તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના ધીરજભાઇ ભંડારી મકરબાના ઓર્ચિડ વ્હાઇટ ફિલ્ડમાં રહે છે અને ઘરઘંટીનો વ્યવસાય કરે છે.
ધીરજભાઇના પત્ની કલાબેન ગુરૂકુળ રોડ પર આવેલા એક ફ્લેટમાં માનસિક અસ્થિર બાળકોના ટ્યુશન ક્લાસિસ ચલાવે છે. તે ક્લાસિસમાં માનસી દોશી(રહે.એલિસબ્રિજ) પણ ટીચર તરીકે નોકરી કરતી હતી.
બંને વચ્ચે મિત્રતાના સંબંધ હોવાથી એકબીજાના ઘરે આવતા જતા હતા. ગત ૨૭ મેના રોજ સવારે માનસી દોશીએ કલાબેનને ફોન પર પીજીમાં પાણી આવતું ન હોવાથી તેમના ઘરે નહાવા આવવાનું પૂછતાં તેમણે હા પાડી હતી.
બાદમાં માનસી દોશી કપડાંની બેગ લઇને આવી હતી અને બેડરૂમના અટેચ બાથરૂમમાં નહાવા ગઇ હતી. નહાતી વખતે ગભરામણ થતી હોવાથી બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવાનું કહી બેડરૂમનો દરવાજો બંધ કરાવ્યો હતો.
પોણો કલાક સુધી રૂમનો દરવાજો ન ખોલતા કલાબેને દરવાજો ખખડાવતા કોઇ જવાબ આપ્યો નહોતો. ૧૦ મિનિટ પછી બહાર આવી જમીને બેગ લઇને પીજીમાં જતી રહી હતી.
થોડા દિવસ બાદ ધીરજભાઇને પરિવારજનો સાથે અંકલેશ્વર લગ્નમાં જવાનું હોવાથી દાગીના કાઢવા જતા મળ્યા નહોતા. માનસી દોશીએ જ ૯.૬૬ લાખના દાગીના ચોરી કરી હોવાની શંકા દાખવીને જાણ કરતા સરખેજ પોલીસે માનસી દોશી સામે ગુનો નોંધ્યો છે.SS1MS