Western Times News

Gujarati News

ભારતમાં રેસ્ટોરાં ખોલવા કરતાં બંદૂકનું લાઈસન્સ મેળવવું સરળ !

Files Photo

નવી દિલ્હી, બજેટના એક દિવસ અગાઉ એટલે કે આજે આર્થિક સર્વે ૨૦૧૯-૨૦ રજૂ કરવામાં આવ્યું હતું. આર્થિક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રેસ્ટોરન્ટનું લાયસન્સ લેવા કરતા બંદૂકનું લાયસન્સ લેવુ વધુ સરળ છે. સરકાર ભલે દાવો કરતી હોય કે લાયસન્સ રાજ સમાપ્ત થઇ ગયો છે અને બિઝનેસ કરવું સરળ થઇ ગયું છે પરંતુ વાસ્તવમાં હકીકત તદ્દન ભિન્ન છે. જો તમારે દેશના કોઇ પણ ભાગમાં રેસ્ટોરન્ટ ખોલવી હશે તો તમારી પાસે બદૂકના લાયસન્સ માટે જેટલા દસ્તાવેજ માગવામાં આવે છે તેનાથી પણ વધારે દસ્તાવેજ માગવામાં આવે છે. આ વાત નાણા મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વેમાં જણાવવામાં આવી છે.

નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયા(એનઆરએઆઇ)ના જણાવ્યા અનુસાર બેંગાલુરૂમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે ૩૬ મંજૂરી, દિલ્હી માટે ૨૬ અને મુંબઇ માટે ૨૨ મંજૂરીની જરૂર પડે છે. આ ઉપરાંત દિલ્હી તથા કોલકાતામાં રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે એક પોલિસ ઇટિંગ હાઉસ લાયસન્સની પણ જરૂર પડે છે. દિલ્હી પોલીસ પાસેથી આ લાયસન્સ પ્રાપ્ત કરવા માટે ૪૫ દસ્તાવેજોની જરૂર પડે છે. બીજી તરફ બંદૂક અને અન્ય મોટા હિથયારનું લાયસન્સ મેળવવા માટે અનુક્રમે ૧૯ અને ૧૨ દસ્તાવેજોની જરૂર પડે છે.

સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં રેસ્ટોરન્ટ શરૂ કરવા માટે વિશ્વના અન્ય કોઇ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ મંજૂરી લેવી પડે છે. ચીન તથા સિંગાપોરમાં માત્ર ચાર મંજૂરી લેવાની જરૂર પડે છે.  સર્વે મુજબ છેલ્લા ૧૩ વર્ષોમાં શાકાહારી થાળી ૨૯ ટકા અને માંસાહારી થાળી ૧૮ ટકા સસ્તી થઇ છે. દિવસમાં બે થાળી ખાનારા સરેરાશ પાંચ વ્યકિતઓના સામાન્ય પરિવારો દર વર્ષે લગભગ ૧૦,૮૮૭ રૂપિયા અને માંસાહાર ખાનારા પરિવારને દર વર્ષે સરેરાશ ૧૧,૭૮૭ રૂપિયાનો લાભ થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.