Western Times News

Gujarati News

‘સન ઓફ સરદાર ૨’ની રિલીઝ ફરી એક વખત અટવાઈ જવાની શક્યતા

મુંબઈ, હાલ બોક્સ ઓફિસના સારા દિવસો ચાલી રહ્યા છે, એક તરફ ‘સૈયારા’ ધૂમ મચાવી રહી છે, તો બીજી તરફ ‘મહાવતાર નરસિમ્હા’એ પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. આ બે ફિલ્મ વચ્ચે સ્ક્રીન મેળવવામાં મુશ્કેલીઓ હતી, ત્યાં હવે અજય દેવગનની ફિલ્મની પોસ્ટપોન કરેલી તારીખનો પણ રિલીઝનો દિવસ નજીક આવી રહ્યો છે.

પહેલાં તો અજય દેવગને ‘સૈયારા’ને પુરતો સમય મળી રહે તે માટે પોતાની રિલીઝ પાછી ઠેલી, હવે આ ફિલ્મ એટલી જામી ગઈ કે ‘સન ઓફ સરદાર ૨’ને રિલીઝ કરવા માટે પુરતા સ્ક્રીન ઉપલબ્ધ નથી. અજયે પીવીઆર અને ઇનોક્સ સાથે ફિલ્મના ડિસ્ટ્રીબ્યુશન માટે હાથ મિલાવ્યા હતા.

સિંગલ સ્ક્રીન સિનેમા અને નોન નેશનલ ચેઇનના થિએટરમાં ફિલ્મ રિલીઝ કરવા માટે તેમને યોગ્ય સમયે સ્ક્રીન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. એક ટ્રેડ સોર્સ દ્વારા મળતી માહિતી અનુસાર, “સૈયારા હાલ બોક્સ ઓફિસ પર બહુ જ મજબુત પકડ સાથે ચાલી રહી છે. એક્ઝિબિટર્સ ત્રીજા અઠવાડિયે પણ આ ફિલ્મને છોડવા માગતા નથી.

મહાવતાર નરસિમ્હા પણ ધીરે ધીરે ગતિ પકડી રહી છે. તેની ડિમાન્ડ વધવાથી તેના શો પણ વધારી દેવામાં આવ્યા છે.”આ સ્થિતિમાં અજય માટે પરિસ્થિતિ ખરેખર મુશ્કેલ થઈ રહી છે, “એક કોમેડી ળેન્ચાઇઝીની ફિલ્મ છે અને અજય દેવગન લીડ રોલમાં હોવાથી પીવીઆર ઇનોક્સની ઇચ્છા એવી છે કે તેમને કુલ ૬૦ ટકા શોની જગ્યા મળે, પરંતુ એક્ઝિબિટર્સ તેમના થિએટરમાં ૩૫ ટકાથી વધારે જગ્યા આપી શકે તેમ નથી.

કેટલાંક સિંગલ સ્ક્રીન સિનેમા દિવસના બે શો આપવા તૈયાર થયાં છે, પરંતુ નોન નેશનલ ચેનના માલિકો પોતાના થિએટરમાં ૩૫ ટકાથી વધુ જગ્યા આપવા તૈયાર નથી. તેથી સન ઓફ સરદાર ૨ માટે પીવીઆર ખરેખર લડત આપવાની સ્થિતિમાં આવી ગયું છે. ”હાલ તો એવી સ્થિતિ છે કે થિએટર્સનો પ્લાન તો સિંગલ સ્ક્રીન અને નોન નેશનલ ચેનમાં સૈયારા અને મહાવતાર નરસિમ્હાને મદદ કરવાનો જ છે.

આ અંગે સુત્રએ જણાવ્યું, “હજુ સન ઓફ સરદારની રિલીઝના પ્રશ્નો ઉભા છે, ત્યાં પાછળને પાછળ ‘ધડક ૨’ની ટીમ પણ રિલીઝની તૈયારી કરી રહી છે અને તેઓ ઇચ્છે છે કે તેમને પહેલા દિવસે કમ સે કમ ૧૦૦૦ સ્ક્રીન તો મળે, મોટા ભાગે શહેરી વિસ્તારોમાં, ધર્મા પ્રોડક્શન્સની ટીમે ‘કેસરી ૨’ માટે પણ આ જ સ્ટ્રેટેજી અપનાવી હતી. તેઓ વીકેન્ડ પર પાછળથી શો વધારવાનું પણ વિચારી રહ્યા છે.

ત્યારે હવે ‘સન ઓફ સરદાર ૨’ની મુશ્કેલી એવી છે કે એ મોટી ફિલ્મ છે, જે લગભગ ૩૫૦૦ સ્ક્રીનમાં રિલીઝ થવાનું આયોજન હતું, પરંતુ પરિસ્થિતિ એવી ઉભી થઈ કે તેને મુશ્કેલીથી ૨૫૦૦ સ્ક્રીન મળે એવું છે, એ પણ છૂટાં છવાયાં શોમાં.”

જો એક ૪ સ્ક્રીનનું થિએટર હોય તો પીવીઆરનું આયોજન એવું હતું કે ૬ શો ‘સન ઓફ સરદાર ૨’ને મળે, ૫ શો ‘સૈયારા’ને મળે, ૪ શો ‘ધડક ૨’ને મળે અને ૩ શો‘મહાવતાર નરસિમ્હા’ને મળે, બાકીના જે એકાદ ફિલ્મ રિલીઝ થાય એને.

જ્યારે ૩ સ્ક્રીનનું થિએટર હોય એમાં આ જ રીતે એક એક શો ઓછો કરી દેવામાં આવે. પરંતુ તેનાથી ઉલટું, સિંગલ સ્ક્રીન સિનેમામાં એવું નક્કી થયું હતું કે ૨ શો ‘સન ઓફ સરદાર ૨’ને મળે, ૨ શો ‘સૈયારા’ને મળે અને એક શો ‘મહાવતાર નરસિમ્હા’ને મળે. સુત્રએ જણાવ્યું, “પીવીઆર”એકેટલાક સિંગલ સ્ક્રીન થિએટર પાસે સન ઓફ સરદાર ૨ માટે ૪ શો માગ્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.