શીલજ સર્કલ પાસે ટ્રકે ટક્કર મારતા ધોરણ 12 ના વિદ્યાર્થીનું મોત

File Photo
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં દિવસે ને દિવસે અકસ્માતના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુરુવારે વહેલી સવારે અમદાવાદના શીલજ સર્કલ પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વિદ્યાર્થીનું કરૂણ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ૧૮ વર્ષીય તનય પટેલ આજે સવારે પોતાના એક્ટિવા પર ડીપીએસ સ્કૂલ તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન શીલજ સર્કલ નજીક એક ટ્રકે તેના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે તનયનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
શીલજ સર્કલ પાસે બ્રિજના કામને લીધે બેરિકેડ મૂકી કેટલાક ચારરસ્તા બંધ કરાયા છે. પરંતુ રોડ તૂટી ગયો હોવાથી, ચોતરફ ઉખડી ગયેલી કપચી વાહનના ટાયરમાં ફસાય એટલે સ્લીપ થવાનું જોખમ રહે છે. ટુવ્હીલર ચાલક કપચીથી બચવા સાઈડ પર ખસવા જાય કે તરત અકસ્માતનું જોખમ રહે છે. રોડ પર કોઈ સ્પીડ બ્રેકર નથી. વિદ્યાર્થીના કેસમાં પણ આવું જ કંઈક બન્યું હોવાનું એક્સપર્ટનું કહેવું છે.
અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતક યુવકની ઓળખ કરી તેના પરિવારજનોને જાણ કરી હતી.
અકસ્માતની જાણ થતાં જ અમિતના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકમાં ગરકાવ થઈ ગયા હતા. પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક નિયમોના પાલન અંગે ફરી એકવાર ચર્ચાઓ શરૂ થઈ છે.