Western Times News

Gujarati News

શહેરમાં સ્વાઈનફલુના નવા ચાર કેસ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: ચીનમાં છેલ્લા એક મહીનાથી કોરોના વાયરસ આતંક મચાવી રહયો છે. કોરોના વાયરસે ૩૬૦ જેટલા નિર્દોષ નાગરીકોનો ભોગ લીધો છે રાજયમાં પણ કોરોના ના બે શંકાસ્પદ કેસ બહાર આવ્યા છે. જયારે કોરોના વાયરસ જેવા જ લક્ષણો ધરાવતા એચ-૧ એન-૧ વાયરસના ચાર કેસ અમદાવાદ શહેરમાં કન્ફર્મ થયા છે.

ર૦૧૯ ના વર્ષમાં સ્વાઈનફલૂનો રોગચાળો મહદ્‌અંશે નિયંત્રણમાં રહયો છે પરંતુ ર૦ર૦ની શરૂઆત સાથે જ સ્વાઈનફલુના કેસ બહાર આવતા મ્યુનિ. આરોગ્ય ખાતાના અધિકારીઓ ચોંકી ઉઠયા છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં સ્વાઈન ફલુના નવા ચાર કેસ કન્ફર્મ થયા છે. નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી માસ દરમ્યાન સ્વાઈન ફલુના ચાર કેસ નોંધાયા છે. સૂત્રોએ જણાવ્યા મુજબ જાન્યુઆરી મહીનાના પ્રથમ સપ્તાહમાં જ સ્વાઈન ફલૂનો કેસ કન્ફર્મ થયો હતો. ત્યારબાદ ર૩ જાન્યુઆરીએ લાંભા વોર્ડમાં વધુ એક કન્ફર્મ થયો હતો

જયારે જાન્યુઆરી મહીનાના અંતિમ સપ્તાહમાં વધુ બે કેસ બહાર આવ્યા હતા જે બંને કન્ફર્મ થયા છે. સ્વાઈન ફલૂનો છેલ્લો કેસ સરદારનગર વોર્ડમાંથી બહાર આવ્યો છે. સરદારનગર વિસ્તારના રહીશ પ૦ વર્ષીય પુરુષ દર્દી સ્વાઈનફલુના સકંજામાં આવી ગયા છે જેમને એપોલો હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.

ર૦૧૦ના વર્ષમાં ડેન્ગ્યૂ અને ચીકનગુનીયા અને કમળાના રોગચાળાએ આતંક મચાવ્યો હતો જેની સામે સ્વાઈનફલૂના રોગચાળામાં નિયંત્રણમાં રહયો હતો પરંતુ ર૦ર૦ની શરૂઆતમાં જ એચ-૧ એન-૧ વાયરસ ત્રાટક્યો છે. જે તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. ર૦૧૬ અને ર૦૧૮માં સ્વાઈન ફલૂના રોગચાળાએ શહેરમાં આતંક મચાવ્યો હતો જેનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર સજાગ છે.

સ્વાઈન ફલૂનો રોગ ચેપી છે. તેથી રોગચાળાને નિયંત્રણમાં જન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં સ્વાઈન ફલુની પેટર્નમાં થોડો ફેરફાર થયો છે તથા માર્ચ- એપ્રિલ મહીનામાં મોટી સંખ્યામાં નવા કેસ નોંધાયા છે. ચાલુ વરસે માર્ચ- એપ્રિલમાં સ્વાઈન ફલુનો રોગચાળો માથુ ઉચકે તે પહેલા જ તેને ડામી દેવા માટે તંત્ર કટિબધ્ધ છે તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.