મેડિકલમાં પહેલા રાઉન્ડ બાદ ૫૮૮ અને ડેન્ટલમાં ૫૮૧ બેઠકો ખાલી પડી

અમદાવાદ, ધો.૧૨ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટે પહેલા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પહેલા રાઉન્ડ બાદ મેડિકલમા ૫૮૮ બેઠકો નોન રીપોર્ટીંગ રહી છે. આજ રીતે ડેન્ટલમાં ૫૮૧ બેઠકો નોન રીપોર્ટીંગ રહી છે.
નીટનું પરિણામ નીચું આવવાના કારણે તમામ બેઠકો પહેલા રાઉન્ડમાં જ ફુલ થઇ ગઇ હોવાછતાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા કવોટાની બેઠકોમાં પ્રવેશ મેળવી લેતાં સ્થાનિક કવોટાની બેઠકો ખાલી પડી છે.મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ નું પરિણામ આઘરુ આવતાં પ્રવેશ માટેનું કટ ઓફ નીચુ જશે તેવી શકયતાં હતી.
મહત્વની વાત એ કે, મેરિટ ૧૨૧ માર્કસ કરતાં વધારે નીચું જવા છતાં પહેલા રાઉન્ડ પછી મેડિકલ અને ડેન્ટલમાં પણ બેઠકો ખાલી પડી છે. પ્રવેશ સમિતિએ જાહેર કરેલી વિગતો પ્રમાણે હાલમા મેડિકલમાં બીજે મેડિકલમાં ૬૧ બેઠકો સહિત જુદી જુદી મેડિકલ કોલેજોમાં ૫૮૮ બેઠકો ખાલી પડી છે.
જેમાં જનરલ કવોટાની ૪૩૭ અને મેનેજમેન્ટ કવોટી ૧૨૦ ઉપરાંત એનઆરઆઇ કવોટાની ૩૧ બેઠકોનો પણ સમાવેશ થાય છે. આજ રીતે ડેન્ટલમાં કુલ ૫૮૧ બેઠકો ખાલી પડી છે. જેમા જનરલ કવોટાની ૫૨૯ અને મેનેજમેન્ટ કવોટાની ૫૧ ઉપરાંત એનઆરઆઇ કવોટાની ૧ બેઠકનો સમાવેશ થાય છે.
પ્રવેશના નિયમ પ્રમાણે પહેલા રાઉન્ડમાં ખાલી પડનારી એનઆરઆઇ, પીડબલ્યુડીની બેઠકો બીજા રાઉન્ડમાં અન્ય કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવશે.આમ હાલની સ્થિતિમાં મેડિકલ અને ડેન્ટલની મળી કુલ ૧૧૬૯ બેઠકો ખાલી પડી છે.
પહેલા રાઉન્ડમા મેડિકલમા કુલ ૫૬૫૮ વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે જેમાં મેડિકલમાં ૫૧૩૭ અને ડેન્ટલમાં ૪૮૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ, પહેલા રાઉન્ડમાં મેડિકલ-ડેન્ટલમાં મોટી સંખ્યામાં બેઠકો ખાલી પડતાં હવે નીચી ટકાવારી ધરાવતાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશની તકો ઉભી થઇ છે.
અગાઉથી જ મેડિકલમાં પ્રવેશ માટે કટ ઓફ નીચુ ગયુ હતુ ત્યારે હવે પહેલા રાઉન્ડમા બેઠકો ખાલી પડવાના કારણે કટ ઓફ વધારે નીચુ જાય તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે.SS1MS