બસ અને ટ્રક વચ્ચે રીક્ષા કચડાઈ જતાં મામા-ભાણેજનું કરુણ મોત

આણંદ, આણંદ તાલુકાના વાસદ-તારાપુર હાઈવે ઉપર આવેલ સુંદણ પાસે આજે પરોઢીયે પેટલાદથી ફળ લેવા રીક્ષા લઈ વડોદરા જઈ રહેલ મામા-ભાણાની રીક્ષા આગળ જતી લકઝરી અને પાછળ આવતી ટ્રક વચ્ચે ચગદાઈ ગઈ હતી.
જેના કારણે બંનેના કરુણ મોત થયા હતા. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ જિલ્લાના પેટલાદ ખાતે મલાવ ભાગોળ, ધોબીકુઈ વિસ્તારમાં શંકરભાઈ મફતભાઈ તળપદા રહે છે. જેઓ પોતાના મોટાભાઈ મહેન્દ્રભાઈ તળપદા (ઉ.વ. ૫૩) સાથે ફળની લારી ફેરવે છે.
જે પેટલાદ શહેરની વાવ ચોકડી પાસે વેપાર કરે છે. મહેન્દ્રભાઈના બહેન લક્ષ્મીબેન જોગણ પરણાવેલા છે. તેમનો દિકરો દીલીપ જશભાઈ તળપદા (ઉ.વ. ૨૮) રીક્ષા ચલાવતો હતો અને આંતરે દિવસે મામાને લઈને વડોદરા જઈ ફળ લઈ આવે છે.
ગઈકાલે સોમવારે તા.૨૫ ના રોજ દીલીપભાઇ તળપદા તેમની રીક્ષા લઈને મામાના ઘરે પેટલાદ આવ્યો હતો અને રાત્રે સાડા બાર વાગે તે મોટા મામા મહેન્દ્રભાઈને લઈને વડોદરા ફળ લેવા જવા માટે નીકળ્યા હતા.તેઓ પરોઢીયે ત્રણ વાગે વાસદ પાસે આવેલ તારાપુર હાઈવે પરની સુંદણ ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની આગળ લકઝરી બસ નં. એ.આર.૧ વી. ૯૩૦૦ જઈ રહી હતી.
આ દરમિયાન રીક્ષાની પાછળ આવી રહેલ ટ્રકએ રીક્ષાને ટક્કર મારી એટલે રીક્ષા આગળ જતી લકઝરીને અથડાઈ આ દરમિયાન બસચાલકે બસ ઉભી રાખી હતી એટલે ટ્રક અને બસની વચ્ચે રીક્ષાનો લોચો વળી ગયો હતો.
બસ ડ્રાઈવર રસીકભાઈ જીવરાજભાઈ મકવાણા તરત જ નીચે ઉતર્યા તેમણે જોયું તો આખી રીક્ષા લોચો થઈ ગઈ હતી અને અંદર બેઠેલ બંને વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, તેમને પુષ્કળ લોહી નીકળેલું હતું.આ વખતે ઘણા માણસો ભેગા થઈ ગયા હતા, તેમણે ૧૦૮ એમ્બ્યુલન્સ વાનને જાણ કરી હતી.
એટલે વાન આવી ગઈ હતી. તેમણે તપાસ કરી તો મહેન્દ્રભાઈ મફતભાઈ તળપદાનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. એટલે તેમના મૃતદેહને વાસદ આરોગ્ય કેન્દ્રમાં મોકલી અપાયો હતો.
ત્યારે દીલીપ જશભાઈ તળપદાને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તેમને પ્રાથમિક સારવાર આપી વડોદરાની સયાજી હોસ્પટલમાં ખસેડાયા હતા. જોકે તેઓ ત્યાં પહોંચે ત્યાં સુધીમાં દિલીપભાઈનું પણ મોત થઈ ગયું હતું.
આમ, બે વાહનો વચ્ચે આવી ગયેલી રીક્ષાનો ખુડદો બોલી ગયો હતો અને મામા-ભાણેજના મોતથી પેટલાદ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે વાસદ પોલીસે શંકરભાઈ તળપદાની ફરિયાદ લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS