રીબડા ફાયરિંગ કેસઃ પોલીસે વધુ બે આરોપીની કરી ધરપકડ

રાજકોટ, રાજકોટના રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગના કેસમાં પોલીસે અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. ગોંડલ તાલુકા પોલીસે પુનિતનગર વિસ્તારમાં રહેતા ઇમરાન ઉર્ફે કાળુ હાસમ સૈયદ અને નામચીન પરિક્ષીત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો બળધાની ધરપકડ કરી છે. આ સાથે જ આ કેસમાં ધરપકડનો આંક ૯ પર પહોંચ્યો છે.
ફાયરિંગ કરનાર ભાડૂતી આરોપીઓને હથિયાર આપવા બાબતે ઈમરાન અને પરિક્ષીતની સંડોવણી ખૂલતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ પહેલા હથિયાર સાચવવા અંગે રાજકોટના વકીલ રવિ ગમારા અને નિશાંત રાવલની ધરપકડ કરાઈ હતી.
જે ભાડુતી આરોપીઓ ફાયરિંગ કરવા આવ્યા હતા તેમને શાપરના ઓવરબ્રીજ પાસે ઈમરાને હથિયાર આપ્યું હતું. થોડા સમય પહેલા જ રાજકોટમાં પરિક્ષીતે અન્ય આરોપી સાથે મળી એક યુવાન ઉપર અગાઉ થયેલા ફાયરિંગનો બદલો લેવા ફાયરિંગ કર્યું હતું.
જે કેસમાં પરિક્ષીતની તાજેતરમાં જ ભક્તિનગર પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યાે હતો. ગોંડલ તાલુકા પોલીસે જેલમાંથી તેનો કબજો મેળવ્યો હતો.રીબડામાં પેટ્રોલપંપ પર થયેલા ફાયરિંગના ચર્ચાસ્પદ કેસમાં હાર્દિક સિંહની સંડોવણી ખુલી હતી.
ફાયરિંગના થોડા સમય બાદ જ તેણે સોશિયલ મીડિયા ઉપર ફાયરિંગ કર્યાની કબૂલાત કરી હતી. જેથી ગોંડલ તાલુકા પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો તેની શોધખોળમાં લાગી ગઈ હતી.
બીજા રાજ્યોમાં પણ તેને પકડવા પોલીસની ટીમો રવાના કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. જોકે ફાયરિંગ કરનાર ઉત્તરપ્રદેશના ચાર ભાડુતી આરોપીઓ વિશે માહિતી મળતાં તમામને એલસીબીની ટીમે ઝડપી લીધા હતા. આ તમામ આરોપીઓએ પણ હાર્દિક સિંહના કહેવાથી ફાયરિંગ કર્યાનું કબુલ્યું હતું.
એટલું જ નહીં તેમને ફાયરિંગ કરવા માટે અમુક રકમ આપવાની પણ વાત સ્વીકારી હતી. ચારેય ભાડુતી આરોપીઓ ઝડપાયા બાદ રાજકોટ રૂરલ પોલીસની ટીમોએ હાર્દિક સિંહની શોધખોળ જારી રાખી હતી. પરંતુ સફળતા મળતી ન હતી. રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ પણ તેની શોધખોળમાં હતી અને ૧૨ ઓગસ્ટે એલસીબી દ્વારા ગુજરાત બહારથી તેની ધરપકડ કરવામાં આવી હતી.SS1MS