કૃષ્ણનગરમાં ગોળીબાર મામલે બે આરોપીઓની અટક
(પ્રતિનિધિ) અમદાવાદ: થોડા દિવસ અગાઉ જ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં ધમા બારડ નામની વ્યક્તિ ઉપર ગોળીબારની ઘટના બની હતી આ ઘટના બાદ કૃષ્ણનગર પોલીસ સહીત અન્ય એજન્સીઓ પણ આરોપીઓની શોધખોળમાં લાગી હતી. આ મામલા પર ઉચ્ચ અધિકારીઓએ પણ નજર રાખ્યા બાદ ગોળીબાર કરનાર બે આરોપીઓ ઝડપાયા હોવાની માહીતી મળી રહી છે.
જાકે પુછપરછ બાદ આજે સાંજ સુધીમાં પોલીસ આ અંગે ઘટસ્ફોટ કરે તેવી શકયતા છે. કેટલાક દિવસ અગાઉ જાહેરમાં જ ગોળીબાર કરતા કૃષ્ણનગર સહીત શહેરભરમાં આ અંગે ચકચાર મચી હતી જેના પગલે ઉચ્ચ અધિકારીઓ પણ સક્રિય થયા હતા ત્યારે પોલીસે રાત-દિવસની સઘન મહેનત બાદ બે આરોપીઓની અટક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
આ બંને આરોપીઓની કડક તપાસમાં કેટલીક ચોંકાવનારી માહીતી પણ બહાર આવી છે અને વધુ પુછપરછમાં વધુ કેટલાક ખુલાસા થવાની શક્યતા છે. ગોળીબાર કરીને ફરાર થનાર શખ્સો ઉપર અગાઉ પણ પોલીસના ચોપડે ગુના નોંધાયા હોવાની શકયતા છે ત્યારે આજ સુધીમાં આ બંને ગુનેગારો વિશે વધુ માહિતી પોલીસ તંત્રના ઉચ્ચ અધીકારીઓ જાહેર કરે તેવી શકયતા છે.
નોંધનીય છે કે છેલ્લા એક મહીનામાં શહેરમાં ગોળીબારની ઘણી ઘટનાઓ બનતા સામાન્ય પ્રજામાં ભય ફેલાયો છે અને પ્રજામાં પોલીસની છબી પણ ખરડાઈ છે.