Western Times News

Gujarati News

ગાંધીનગરમાં પ્લાસ્ટિક, બાંધકામ વેસ્ટમાંથી ઉચ્ચકક્ષાનું બિલ્ડિંગ મટિરિયલ બનશે

AI Image

મ્યુનિ. કોર્પોરેશનનો વેસ્ટ ટુ વેલ્થ પ્રોજેક્ટ ઃ ડમ્પિંગ સાઈટ પરથી કચરાના ઢગલા દૂર કરવાની સાથે મ્યુનિ.ની આવકનો નવો માર્ગ ખુલશે

ગાંધીનગર, ડમ્પિંગ સાઈટ પર ઠલવાતા કચરામાં પ્લાસ્ટિક અને બાંધકામ- ઔદ્યોગિક વેસ્ટનું પ્રમાણ ઘણું મોટુ હોય છે. આવા હજારો ટન કચરાના નિકાલમાં મોટી સમસ્યા આવતી હોઈ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેસ્ટ ટુ વેલ્થનો પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.

જે અંતર્ગત પ્લાસ્ટિક અને બાંધકામ વેસ્ટમાંથી ઉચ્ચ ગુણવત્તા યુક્ત બિલ્ડિંગ મટિરિયલ બનાવવામાં આવશે. સિમેન્ટ, ક્રોક્રિટના વિકલ્પ સ્વરૂપે આ મટિરીયલ વધુ ટકાઉ સાબિત થશે.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનને નેટ ઝીરો તેમ જ સરકયુલર ઈકોનોમીના લક્ષ્યાંકો સિદ્ધ કરવાના હેતુથી આ પ્રોજેકટનો અમલ શરૂ કરવા તૈયારી હાથ ધરી છે. તેનાથી મેક ઈન ઈન્ડિયા સત્ર અને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલના કન્સેપ્ટને પણ વેગ મળશે.

ડમ્પિંગ સાઈટ પર એકત્રિત થતા કચરાના ઢગલાના નિકાલની સમસ્યા દૂર થવાની સાથે આ કચરામાંથી નવું મટિરીયલ બનાવવામાં આવશે. મ્યુનિ.ના પ્રારંભિક અંદાજ મુજબ આ પ્રોજેકટ દ્વારા ૧૦ લાખ ચોરસ ફુટ રિસાયકલ બાંધકામ સામગ્રીનું ઉત્પાદન થશે. તેનાથી અંદાજે રૂ.૧૪૦ લાખના સોલિડ વેસ્ટનો નિકાલ તથા જાહેર માળખાકીય વિકાસમાં રૂ.૧૮૬ લાખની બચત થવાની આશા છે.

સૂત્રો મુજબ, ગુજરાત અને ભારત સરકાર સમર્થિત સ્ટાર્ટ અપ એજન્સી અને મ્યુનિ. દ્વારા પીપીપી ધોરણે પ્રોજેકટ શરૂ કરાશે. પ્લાસ્ટિક અને બાંધકામ- ડીમોલિશન વેસ્ટમાંથી પોલિમર કમ્પોઝિટ બાંધકામ સામગ્રી બનાવવામાં આવશે. આ પ્લાન્ટને શેર કરવા રૂ.૮ કરોડનો ખર્ચ થશે અને પાંચ વર્ષના ઓપરેશન- મેન્ટેનન્સમાં રૂ.૭.૦પ કરોડનો ખર્ચ થશે.

સેકટર-૩૦માં ડમ્પિંગ સાઈટ પરથી કચરાના ઢગલા દૂર કરવા માટે અગાઉ વર્મિકમ્પોસ્ટનો પ્લાન્ટ શરૂ કરાયો છે અને તેના વેચાણમાં પ્રોત્સાહક પરિણામો મળી રહ્યા છે. હવે રીસાયકલિંગ પ્લાન્ટમાં તૈયાર થયેલા બિલ્ડિંગ- મટિરિયલનું મ્યુનિ. દ્વારા વેચાણ કરાશે. નિકાલમાં સમસ્યારૂપ પ્લાસ્ટિક અને બાંધકામ કચરાના રીસાયકલિંગ દ્વારા પર્યાવરણની જાળવણી કરવાની સાથે આવક ઉભી કરવાનો પ્રયાસ કરાયો છે.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.