કોરોના વાઈરસ ઇફેક્ટ : કપાસના ભાવમાં મણે રૂ.૧૫૦ નો ઘટાડો થતા અરવલ્લી જીલ્લાના ખેડૂતો લાલઘૂમ
અરવલ્લી જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં મોટા પ્રમાણમાં ખેડૂતોએ બીટી કપાસ તેમજ દેશી કપાસનું વાવેતર કર્યું હતું. આ વર્ષે પણ કપાસના બમ્પર વાવેતર સામે ખેડૂતોને યોગ્ય ભાવ મળશે કે કેમ..?? તેવી આશંકા સેવાતી હતી. ત્યારે મુખ્ય યાર્ડ અને તેના સબયાર્ડમાં ધીમે ધીમે કપાસની આવક શરૂ થતા શરૂઆતમાં કપાસનો ભાવ મણે રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયાના ભાવે બજારમાં વેચાયા પછી છેલ્લા ૪ દિવસથી કપાસના ભાવમાં કડાકો બોલાતા મણે રૂ.૧૨૫ થી ૧૫૦ સુધી ગગડી જતા ખેડૂતોની હાલત દયનિય બની છે મોડાસા માર્કેટયાર્ડના વેપારીઓ ચીનમાં હાહાકાર મચાવનાર કોરોના વાઈરસ ના લીધે માંગમાં ઘટાડો થતા કપાસના ભાવમાં ઘટાડો થયો હોવાનો સુર વ્યક્ત કર્યો હતો
કેન્દ્ર સરકાર ખેડૂતોની ખેતીની અવાક બમણી કરવાની જોરશોર થી જાહેરાત કરી રહી છે બીજીબાજુ ખેડૂતોને તેમના મહામુલા પાકના પોષણક્ષમ ભાવ ન મળતા દયનિય હાલત બની છે મોંઘાદાટ બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરીનો તોતિંગ ખર્ચ પણ પાણીમાં જતા ખેડૂતો દેવાના ડુંગર તળે દટાઈ રહ્યા છે અરવલ્લી-સાબરકાંઠા જીલ્લામાં કપાસનો પાક તૈયાર થઈ જતાં બાયડ, ધનસુરા, મોડાસા, માલપુર, મેઘરજ, ભિલોડા, વિજયનગર, ખેડબ્રહ્મા, વડાલી, ઈડર, હિંમતનગર, તલોદ, પ્રાંતિજના મુખ્ય યાર્ડ અને તેના સબયાર્ડમાં ધીમે ધીમે કપાસની આવક શરૂ થઈ છે
પ્રારંભિક ચાર દિવસ સુધી ખેડૂતોને માર્કેટયાર્ડમાં કપાસના પ્રતિ મણ ભાવ રૂ.૧૦૦૦ થી ૧૧૦૦ રૂપિયા મળતા ખેડૂતોએ મહંદઅંશે હાશકારો અનુભવ્યો હતો પરંતુ ચાર દિવસ પછી કપાસના ભાવમાં પ્રતિ મણ રૂ.૧૦૦ થી ૧૫૦ નો કડાકો બોલાતા પ્રતિ મણ રૂ.૯૦૦ થી ૯૫૦ સુધી જ કપાસનો ભાવ મળતા ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે