પશ્ચિમ દરિયા કિનારાની સુરક્ષા માટે ટૂંક સમયમાં દ્વીપકલ્પ કમાંડનું ગઠન કરાશે
નવીદિલ્હી,ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતે થિયેટર કમાન્ડ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, ભારત ટૂંક સમયમાં ચીન અને પાકિસ્તાનની સરહદ પર નજર રાખવા માટે થિયેટર કમાન્ડ આપશે. તેમણે એમ પણ માહિતી આપી કે, પૂર્વ અને પશ્ચિમ દરિયા કિનારાની સુરક્ષા માટે ટૂંક સમયમાં દ્વીપકલ્પ કમાંડનું ગઠન પણ કરવામાં આવશે.
સીડીએસ જનરલ રાવતે કહ્યું કે, આ પ્રક્રિયામાં ત્રણ વર્ષનો સમય લાગશે. વળી, સેનાઓ દેશમાં પ્રથમ વખત હવાઈ સંરક્ષણ આદેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જનરલ રાવતનાં જણાવ્યા મુજબ થિયેટર કમાન્ડરોએ સર્વિસ ચીફ હેઠળ કામ કરવું પડશે. જેથી સૈન્યની લડવાની ક્ષમતાને અસર ન થાય. કોઈપણ પરિવર્તન દરમિયાન, થિયેટર કમાન્ડરને પોતાના સર્વિસ ચીફ પાસેથી ઓર્ડર લેવાનું રહેશે જે અન્ય વડાઓ પાસેથી મળેલી સૂચના અનુસાર કાર્ય કરશે.
આ નવી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. જનરલ રાવત ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ નાં રોજ સીડીએસ તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૯૯ માં રચિત કારગિલ સમીક્ષા સમિતિમાં સીડીએસની દરખાસ્ત કરવામાં આવી હતી. લગભગ બે દાયકા પછી, સીડીએસ દરખાસ્ત અમલમાં મૂકી શકાઇ છે.