યોગી સરકારે અયોધ્યાના ધન્નીપુરમાં મસ્જિદ માટે 5 એકર જમીન આપી
લખનઉ: રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત બાદ હવે યોગી કેબિનેટે સુન્ની વક્ફને જમીન આપવાનો પ્રસ્તાવ પાસ કરી દીધો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, અયોધ્યાના સોહાવલ તાલુકાના ધન્નીપુર ગામમાં સુન્ની વક્ફ બોર્ડને જમીન આપવાનો નિર્ણય કર્યો છે. સરકારના પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે, આજે 5 એકર જમીનનો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. જેમાં અમે 3 વિકલ્પ કેન્દ્રને મોકલ્યા હતા. જેમાંથી એક પર સહમતિ સધાઈ ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં “શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર”ના ગઠનના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન રામના મંદિર નિર્માણ અને તેના સબંધિત વિષયો પર નિર્ણય કરવા માટે સંપૂર્ણ સ્વતંત્ર હશે.
વડાપ્રધાન મોદીએ બુધવારે લોકસભામાં આ અંગેની જાહેરાત કરી. સરકારે અયોધ્યા કાયદા અંતર્ગત અધિગ્રહીત 67.70 એકર જમીન રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રને હસ્તાંતર કરવાનો આદેશ આપ્યો છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, “શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર”ટ્રસ્ટમાં 15 ટ્રસ્ટી હશે. જેમાં એક દલિત સમાજથી હશે.
આ સાથે જ વડાપ્રધાને સંસદને જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન ફાળવવામાં આવે. જેને લઈને મોદી સરકારે રાજ્યની યોગી સરકારને આગ્રહ કર્યો અને રાજ્ય સરકારે જમીન આપવા મંજૂરી આપી છે.