મોદીએ લોકલાગણીને માન આપ્યું-રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાત
અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની જાહેરાતને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા જારદાર આવકાર આપવામાં આવ્યો છે. મુખ્યંમત્રીએ કહ્યું છે કે, વર્ષો જુની વિવાદાસ્પદ સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવી લોકલાગણીને વડાપ્રધાને માન આપ્યું છે. બીજી બાજુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પણ કહ્યું છે કે, મોદી દ્વારા સંસદમાં કરાયેલી જાહેરાતને ગુજરાત ભાજપ અને કરોડો રામ ભક્તો તરફથી આવકારી હર્ષભેર વધાવે છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે. વિજય રૂપાણીએ વડાપ્રધાન અને તેમની સરકારે કરોડો હિન્દુઓના શ્રદ્ધા-આસ્થા કેન્દ્ર સમુ ભગવાન રામચંન્દ્રનું મંદિર અયોધ્યામાં નિર્માણ થાય તે માટે દાખવેલી પ્રતિબદ્ધતા આ નિર્ણયમાં પ્રતિબિંબિત થઇ છે તેમ પણ ઉમેર્યુ છે.
મુખ્યમંત્રીએ આ ઐતિહાસિક નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતાં એમ પણ જણાવ્યું કે, ૬૭ એકર જમીન રામ મંદિર નિર્માણ અને પ એકર જમીન વકફ બોર્ડને ફાળવીને વર્ષોજૂના આ પ્રશ્નનું પરિપકવતાથી સમાધાન થયુ છે. તેમણે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા નિર્ણયને જનતા જનાર્દન અને સરકારે સુંદર-સુમેળભર્યા વાતાવરણ દ્વારા આવકારીને તથા વર્ષોની વિવાદિત સમસ્યાનો સરળતાથી ઉકેલ લાવીને લોકલાગણીને માન આપવા માટે પણ પ્રધાનમંત્રીને ધન્યવાદ આપ્યા છે.
અયોધ્યામાં શ્રી રામમંદિરના ભવ્ય નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં કરવામાં આવેલી જાહેરાતને હર્ષભેર આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.
વર્ષોથી કરોડો રામભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા
તેવો રામમંદિર બનાવવાની મંજુરી આપતો ચુકાદો નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદમાં રામમંદિરના ભવ્ય નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની કરાયેલી જાહેરાતને ગુજરાત ભાજપા અને કરોડો રામભક્તો વતી આવકારી હર્ષભેર વધાવું છું.
વાઘાણીએ જણાવ્યું હતું કે,ભગવાન શ્રી રામ એ કરોડો લોકોની આસ્થા અને શ્રધ્ધાનું પ્રતિક છે.અયોધ્યા સ્થિત ભગવાન રામની જન્મભૂમી બાબતે વર્ષોથી કોર્ટમાં વિવાદ ચાલતો હતો ત્યારે તમામ તથ્યો-પુરાવાઓને આધારે નામદાર કોર્ટે ચુકાદામાં જણાવ્યું છે કે વિવાદિત ભૂમિ એ રામજન્મભૂમી જ છે અને ત્યારબાદ તેના ઉપર બાબરી મસ્જીદ બનાવવામાં આવી હતી
ત્યારે માત્ર પોતાના રાજકીય રોટલાં શેકવા માટે વર્ષો સુધી તુષ્ટિકરણની રાજનીતિ કરવાવાળાઓ કે જે ભગવાન રામના અસ્તિત્વને પણ સ્વીકારવા તૈયાર નહોતાં અને શ્રી રામનું અસ્તિત્વ નહિ હોવાના એફીડેવિટ ફાઈલ કરનારાઓ માટે પણ હું આજે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું કે શ્રી રામ તેમને સદબુદ્ધિ આપે. વાઘાણીએ જણાવ્યું હતું કે,ભવ્ય મંદિરના નિર્માણ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘શ્રી રામ જન્મભૂમી તીર્થ ક્ષેત્ર’ નામના ટ્રસ્ટની જાહેરાત કરી છે.
જેમાં એક સભ્ય કાયમી દલિત સમાજમાંથી લેવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે જે ભાજપાની સમરસતા અને ‘સૌના સાથ-સૌના વિશ્વાસ’ની પ્રતિબધ્ધતા દર્શાવે છે.સરકાર દ્વારા ૬૭.૦૭ એકર જેટલી જમીનની ફાળવણી થશે જેનાં પર ભવ્યાતીભવ્ય રામમંદિરનું નિર્માણ થશે તેમજ વકફ બોર્ડને પણ ૫ એકર જમીન ફાળવવામાં આવશે આમ,વર્ષો જુના વિવાદનો સુખદ અંત લાવી ભાજપા સરકારે ભગવાનશ્રી રામના ભવ્ય મંદિર નિર્માણ માટેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.કરોડો રામ ભક્તો વતી પુનઃ એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા કેન્દ્રની ભાજપા સરકારનો હૃદયપૂર્વક આભાર માનું છું. અયોધ્યા મામલામાં ટ્રસ્ટની રચનાની આજે ચર્ચા રહી.