રાજ્યમાં આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ : મંત્રી ગણપતભાઇ વસાવા

રાજ્યમાં આદિજાતિ વિસ્તારનો સર્વાંગી વિકાસ કરવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે. આ વિભાગ હેઠળ ફાળવવામાં આવતી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કરીને છેવાડાના જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે જોવાની આપણા સૌની સંયુક્ત જવાબદારી છે તેમ, આજે ગાંધીનગર ખાતે યોજાયેલી આદિજાતિ સલાહકાર પરિષદની સ્થાયી સમિતિની બેઠકમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું.
મંત્રીશ્રી વસાવાએ જણાવ્યુ હતું કે, સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારે રાજ્યના આદિજાતિ વિસ્તારમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવવાની સતત ચિંતા કરી છે. જેના ભાગરૂપે ધોરણ ૬ થી ૮માં ગણિત અને વિજ્ઞાન વિષય શિક્ષકોની કુલ ૧૦,૦૪૨ માંથી ૯,૪૩૪ જગ્યાઓ ભરાયેલી છે.
જ્યારે બાકીની જગ્યાઓ બનતી ત્વરાએ ભરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં ૧૨,૪૨૪ જેટલા ભાષા શિક્ષકો કાર્યરત છે. આ વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને મીની બસની સુવિધાનો લાભ મળી રહે તે માટે ૯,૪૮૩ રૂટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત પ્રાથમિક શિક્ષણ અંતર્ગત ૮,૦૦૦ ઓરડામાંથી બાકી રહેલા ૪,૦૦૦ ઓરડા આ વર્ષે તૈયાર કરવામાં આવશે તેમ મંત્રીશ્રીએ ઉમેર્યુ હતુ.
મંત્રીશ્રીએ આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓને આદિજાતિ વિસ્તારના વિકાસના કામોમાં વધુ ઝડપ લાવીને પૂર્ણ કરવા જરૂરી સૂચનાઓ પણ આપી હતી. આ બેઠકમાં આદિજાતિ સલાહકાર પરિષદના સભ્ય અને ધારાસભ્ય સર્વે શ્રી કુબેરભાઇ ડીંડોર અને નરેશભાઇ પટેલે આદિજાતિ વિકાસના કામો અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે આદિજાતિ વિભાગના સચિવ શ્રી અનુપમ આનંદ, આદિજાતિ કમિશનર શ્રી દિલીપભાઇ રાણા સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહીને જરૂરી ચર્ચા વિચારણા કરી હતી.