‘મતદારયાદી સુધારણા, NGSP તથા મીડિયા, અને સોશિયલ મીડિયાથી લોકજાગૃતિ’ વિષયક માર્ગદર્શક સત્રોનું આયોજન

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીઓનો વર્કશોપ
Ahmedabad, ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર શ્રી જ્ઞાનેશ કુમારના માર્ગદર્શનમાં ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી સુધારણા માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકાના સુચારું અમલીકરણ માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી હારીત શુક્લાના અધ્યક્ષસ્થાને વર્કશોપનું આયોજન કરાયું હતું.
જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના અધિક અને નાયબ ચૂંટણી અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. મતદારયાદી સુધારણા અંગેની પોતાના સંબોધનમાં મુખ્ય ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં મતદાર યાદી સઘન સુધારણા હેઠળ કુલ ત્રણ તબક્કામાં કામગીરી કરવામાં આવશે. રાજ્યના કોઈપણ નાગરિકો ceo.gujarat.gov.in વેબસાઈટ પરથી મતદાર યાદીમાં તેમના નામ અંગે ખરાઈ કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સમયબદ્ધતા અને ચોક્કસાઈ પર તેમણે ભાર મુક્યો હતો.
મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં અધિક અને નાયબ ચૂંટણી અધિકારીની ભૂમિકા ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. જેના પગલે વર્કશોપમાં મતદારયાદી સુધારણાની કામગીરીના વિવિધ તબક્કાઓ, પડકારો અને NGSP (National Grievance Services Portal) તેમજ મતદાર યાદી સુધારણાની સમગ્ર પ્રક્રિયા દરમિયાન રાખવાની તકેદારી વિષયક અધિક કલેક્ટર શ્રીમતિ દર્શના રાંકે ઉપસ્થિતોને માર્ગદર્શન આપ્યું હતું.
તદુપરાંત ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શિકાઓની અમલવારી અંગે લોકોમાં જાગૃતિ લાવવા અને ગેરમાર્ગે દોરનારી ખોટી માહિતીનો પ્રસાર અટકાવવા માટે સોશિયલ મીડિયાના અસરકારક ઉપયોગ તથા સમાચાર માધ્યમોને જરૂરી માહિતી સમયસર આપવા સહિતના વિષયોને અધિક કલેક્ટર શ્રી રિંકેશ પટેલે તેમના સત્રમાં આવરી લીધા હતા. જ્યારે અધિક મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી એ.બી.પટેલે ઉપસ્થિતો સાથે સંવાદ સાધીને તેમની મુંઝવણો દૂર કરી હતી.