દેશમાંથી ચોમાસાની વિદાય, સિઝનમાં સરેરાશથી ૮% વધુ વરસાદ નોંધાયો

નવી દિલ્હી, દેશમાં ચોમાસાએ ચાર મહિના બાદ મંગળવારે વિદાય લીધી છે. આ ચાર મહિનામાં ભારતમાં સરેરાશ કરતા આઠ ટકા વધુ વરસાદ નોંધાયો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.
ચોમાસાની સિઝનમાં સમગ્ર ભારતમાં ૯૩૭.૨ મીમી વરસાદ પડ્યો હતો જે સરેરાશ ૮૬૮.૬ મીમી વરસાદ કરતા આઠ ટકા વધુ રહ્યો છે.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)ના પ્રમુખ મૃત્યુંજય મોહાપાત્રાએ જણાવ્યું કે, આ વર્ષે ચોમાસાની ચાર મહિનાની સિઝન ઘણી સફળ રહી છે.
કેટલાક વિસ્તારોમાં વાદળ ફાટવા અને ભૂસ્ખલનના બનાવો બન્યા હતા. ભેખડો પડવાની તથા જમીન ધસવાની ઘટનામાં પણ ચિંતાજનક વધારો થયો હતો. દેશના પૂર્વ અને પૂર્વાેત્તર ભાગમાં સિઝનમાં ૧,૦૮૯.૯ મીમી વરસાદ નોંધાયો હતો જે સરેરાશ ૧,૩૬૭.૩ મીમી કરતા ૨૦ ટકા ઘટાડો સુચવે છે.
બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ચોમાસાના ચાર પૈકી ત્રણ મહિનામાં વરસાની ઘટ રહી હતી. ૧૯૦૧ પછી પૂર્વ તથા પૂર્વાેત્તર ભારતના ક્ષેત્રમાં આ ચોમાસામાં બીજો સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો.
અગાઉ ૨૦૧૩માં અહીં (૧,૦૬૫.૭ મીમી) સૌથી ઓછો વરસાદ હતો. મોહાપાત્રાએ જણાવ્યું કે, ૨૦૨૦થી આ ટ્રેન્ડ જણાય છે, અભ્યાસમાં પણ છેલ્લા બે દાયકામાં પૂર્વ અને પૂર્વાેત્તર ભાગોમાં વરસાદમાં ઘટાડો જણાયો છે.બીજી તરફ ઉત્તરપશ્ચિમના વિસ્તારોમાં આ સિઝનમાં ૭૪૭.૯ મીમી વરસાદ પડ્યો હતો જે સરેરાશ (૫૮૭.૬ મીમી) કરતા ૨૭.૩ ટકા વધુ હતો.
૨૦૦૧ પછી આ સર્વાધિક વરસાદ રહ્યો છે. આ ક્ષેત્રના તમામ જિલ્લાઓમાં જૂનથી સપ્ટેમ્બરમાં સરેરાશથી વધુ વરસાદ નોંધાયો હતો. મધ્ય ભારતમાં ૧૫.૧ ટકાની વૃદ્ધિ સાથે ૧,૧૨૫.૩ મીમી વરસાદ પડ્યો હતો. દક્ષિણ દ્વીપકલ્પમાં સરેરાશ ૭૧૬.૨ મીમી કરતા નવ ટકા વધુ વરસાદ રહ્યો હતો.મંગળવારે દેશના પાટનગર નવી દિલ્હીમાં પાછોતરા વરસાદને લીધે રસ્તા બેટમાં ફેરવાયા હતા જેને પગલે ઠેરઠેર ટ્રાફિક જામ થયો હતો. હવામાન વિભાગે વરસાદનું યેલો એલર્ટ સુધારીને હવે ઓરેન્જ કર્યું છે.
શહેરમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદની સંભાવના છે. દિલ્હીમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાએ ૨૪ સપ્ટેમ્બરે વિદાય લીધી હતી. પાછોતરા વરસાદથી દિલ્હીવાસીઓને પ્રદુષણમાંથી રાહત મળી હતી પરંતુ વાહનચાલકો અને નીચાણવાળા વિસ્તારોના લોકોની મુશ્કેલી વધી હતી.SS1MS