સાબરકાંઠાના વદરાડમાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ રોપાં ઉછેર્યા

ગુજરાતના બાગાયત ક્ષેત્રે ખુલી નવી ક્ષિતિજો: સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને આપી રહ્યા છે પ્રોત્સાહન
મહેસાણામાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગુજરાતના બાગાયત ક્ષેત્રની સિદ્ધિઓ ઉજાગર કરશે
ભારતના બાગાયત ક્ષેત્રને વેગ આપવાના ધ્યેય સાથે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત મંત્રાલય ‘મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઑફ હોર્ટિકલ્ચર’ (MIDH) હેઠળ ફળ અને શાકભાજીની ખેતીને આધુનિક બનાવવા માટે અવિરત પ્રયાસો કરી રહ્યું છે. આ પહેલના ભાગરૂપે, દેશભરમાં 58 સેન્ટર ઑફ એક્સેલન્સ (CoEs)ને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતની વાત કરીએ, તો રાજ્યમાં ફળો અને શાકભાજી માટે 4 સેન્ટર ઑફ એક્સેલન્સ છે.
ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના માટે ઇઝરાયલ, નેધરલેન્ડ્સ, ન્યુઝીલેન્ડ સાથે દ્વિપક્ષીય સહયોગ કરાર કર્યો છે. આ ઉપરાંત, ભારતીય કૃષિ સંશોધન પરિષદ (ICAR), દિલ્હી જેવી ભારતીય સંશોધન સંસ્થાઓની મદદથી પણ સેન્ટર ઑફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવી રહી છે.
ભારતના બાગાયત ક્ષેત્રમાં પરિવર્તનનું માધ્યમ બન્યા સેન્ટર ઑફ એક્સેલન્સ
સેન્ટર ઑફ એક્સેલન્સનો ઉદ્દેશ બાગાયતી ઉત્પાદનમાં આધુનિક ટેક્નોલૉજીનું પ્રદર્શન કરવાનો, ખેડૂતોને તાલીમ આપવાનો અને બાગાયતમાં નવીન ટેક્નોલૉજીનો પ્રસાર કરવાનો છે. આ કેન્દ્રો ક્ષમતા નિર્માણ કાર્યક્રમો દ્વારા કૃષિ ક્ષેત્રે કૌશલ્ય વધારવામાં, ખેડૂતોને વાવેતર માટેની સામગ્રીનો પુરવઠો પૂરો પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ખેડૂતોને ખેતીની આધુનિક, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. સેન્ટર ઑફ એક્સેલન્સ સંશોધનને વાસ્તવિક ખેતી પદ્ધતિઓ સાથે જોડીને બાગાયતી ક્ષેત્રમાં ઉચ્ચ ઉત્પાદકતા, સારી ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ચિત કરે છે. સેન્ટર ઑફ એક્સેલન્સ નવીનતાની સાથે આત્મનિર્ભરતાને પણ પ્રોત્સાહન આપે છે અને ખેડૂતો માટે આર્થિક તકો પણ ઊભી કરે છે. આ તમામ પ્રયાસો દ્વારા સેન્ટર ઑફ એક્સેલન્સ ભારતના બાગાયતી ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
ઉત્તર ગુજરાતમાં છે 2 સેન્ટર ઑફ એક્સેલન્સ
ઉત્તર ગુજરાતમાં બાગાયત ક્ષેત્રના વિકાસ માટે બે સેન્ટર ઑફ એક્સેલન્સ છે, જે એપ્લાઇડ રિસર્ચ એટલે કે વ્યવહારુ સંશોધન, પાકના માનકીકરણ અને ખેડૂતોને નવી ટેક્નોલૉજી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે. આ કેન્દ્રો તકનીકી સલાહ પણ પૂરી પાડે છે અને પાક ઉત્પાદકતા વધારવા માટે ગુણવત્તાયુક્ત વાવેતર સામગ્રીનું ઉત્પાદન કરે છે. ઉત્તર ગુજરાતમાં એક સેન્ટર ઑફ એક્સેલન્સ સાબરકાંઠાના વદરાડમાં આવેલું છે. વર્ષ 2015માં શાકભાજી માટે સેન્ટર ઑફ એક્સેલન્સ ફોર પ્રોટેક્ટેડ કલ્ટિવેશન એન્ડ પ્રિસિશન ફાર્મિંગની સ્થાપના કરવામાં આવી હતી.
સાબરકાંઠાના વદરાડમાં આવેલા સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ શાકભાજીના રોપાં ઉછેર્યા
આ કેન્દ્રએ શાકભાજીની સંરક્ષિત અને ચોક્સાઇપૂર્ણ ખેતી કરવાના હેતુ સાથે વિવિધ પગલાં લીધાં છે. વાવેતર સામગ્રી કાર્યક્રમ દ્વારા આ સેન્ટર ઑફ એક્સેલન્સે 10 વર્ષમાં 1.4 કરોડથી વધુ શાકભાજીના રોપાં ઉછેર્યા છે. આ રોપાંઓનો અંકુરણ દર કેટલાંક કિસ્સાઓમાં 90% સુધીનો હતો, જેનાથી ખેડૂતોને વધુ સારી ઉપજ મેળવવામાં મદદ મળી છે. દર વર્ષે આ કેન્દ્ર આધુનિક ખેતી પદ્ધતિઓ પ્રદર્શિત કરવા માટે 18 ફ્રન્ટલાઈન પ્રદર્શનોનું આયોજન કરે છે. તે તાલીમ કાર્યક્રમો અને ફીલ્ડ વિઝિટ્સનું પણ આયોજન કરે છે, જેનો લાભ 1 લાખ 13 હજારથી વધુ ખેડૂતો અને અધિકારીઓને મળ્યો છે.
આ વિઝિટ દરમિયાન સહભાગીઓને નવીન તકનીકોનો પ્રત્યક્ષ અનુભવ મળે છે. આ ઉપરાંત, કેન્દ્ર દ્વારા માહિતીના આદાનપ્રદાન માટે રહેણાંક તાલીમ કાર્યક્રમો, નિયમિત વર્કશોપ અને ટ્રેનિંગ ઑફ ટ્રેનર્સ (ToT) કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.
મહેસાણાના વિસનગરમાં છે ‘સેન્ટર ઑફ એક્સલન્સ ઑફ વેજીટેબલ્સ એન્ડ સાઇટ્રસ‘
મહેસાણા જિલ્લાના વિસનગરમાં આવેલ ‘સેન્ટર ઑફ એક્સલન્સ ઑફ વેજીટેબલ્સ એન્ડ સાઇટ્રસ‘ આધુનિક સંરક્ષિત ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમાં 1,800 ચોરસ મીટરમાં ફેલાયેલા બે નેટ હાઉસ, 1,800 ચોરસ મીટરને આવરી લેતી ચાર પોલી ટનલ અને નિયંત્રિત પાક ઉત્પાદન માટે 1,100 ચોરસ મીટરનું ફેન-પૅડ પોલી હાઉસ છે. આ કેન્દ્ર સ્થાનિક આબોહવાને અનુરૂપ લીંબુની નવી જાતોનું પરીક્ષણ કરે છે. આ ઉપરાંત, તે સ્વસ્થ અને રોગમુક્ત રોપાં ઉગાડે છે અને ટપક સિંચાઈ, ફર્ટિગેશન અને સંરક્ષિત ખેતી જેવી આધુનિક ખેતી તકનીકોનું પ્રદર્શન કરે છે.
ખેડૂતોને નવીનતમ ટેક્નોલૉજી વિશે માહિતગાર કરવા માટે આ કેન્દ્ર વિવિધ વિષયો અંગે તાલીમ કાર્યક્રમો ચલાવે છે, જેમાં સાઇટ્રસ પાકનું ઉત્પાદન, પોષક તત્વોનું સંચાલન, કાપણી, નર્સરી વ્યવસ્થાપન, જીવાત નિયંત્રણ અને સેન્દ્રિય ખેતીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પોતાની જમીન ન ધરાવતાં ખેતમજૂરોને વિશેષ તાલીમ આપવામાં આવે છે, જેનાથી તેમની આજીવિકાની તકો વધે છે. આ પહેલ ખેડૂતોને વ્યવહારુ જ્ઞાન પ્રદાન કરે છે અને અસરકારક ખેતી પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહન આપે છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ ગુજરાતના બાગાયતી વિકાસ પર પ્રકાશ પાડશે
ઉલ્લેખનીય છે કે, આગામી 9-10 ઑક્ટોબરે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત, મહેસાણા જિલ્લો) બાગાયતી વિકાસ પર પ્રકાશ પાડશે અને ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો માટે નેટવર્કિંગ તકો પ્રદાન કરશે. ઉત્તર ગુજરાતતમાં સેન્ટર ઑફ એક્સેલન્સે વ્યાપક પ્રવૃત્તિઓ દ્વારા બાગાયત ક્ષેત્રે પરિવર્તન લાવવામાં, ખેડૂતોને સશક્ત બનાવવામાં અને આત્મનિર્ભર કૃષિ ક્ષેત્રના વિઝનમાં યોગદાન આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.