ચીનમાં ‘માત્મો’ વાવાઝોડાનો ખતરો, ૩.૫ લાખ લોકોનું સ્થળાંતર કરાયું

બેંગકોક, ચીન પર વધુ એક વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. આ વર્ષનું ૨૧મું વાવાઝોડું હોવાનું સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે. માત્મો વાવાઝોડાને લઈને ચીનના દક્ષિણના પ્રાંતો ગ્વાંગડોંગ અને હૈનાનમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અને આશરે ૩.૫ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંત કરી દેવામાં આવ્યું હોવાનું તંત્રએ જણાવ્યું હતું.
રવિવારે સવારે આ વાવાઝોડાની ઝડપ ૧૫૧ કિમી પ્રતિ કલાકની જણાઈ હતી. ચીનના હવામાન વિભાગ કેન્દ્રના મતે તે ઔદ્યોગિક શહેર ગ્વાંગડોંગના ઝાનજિયાંગ ખાતે ત્રાટકવાની સંભાવના રહેલી છે.
પરિણામે હવામાન કચેરીએ આ વાવાઝાડોને લઈને રેડ એલર્ટ આપ્યું છે જે સૌથી વધુ ખતરો સુચવે છે. હૈનાન પ્રાંત પણ ચક્રવાતના રસ્તામાં આવતું હોવાથી ત્યાં સુરક્ષાના ભાગરૂપે ફ્લાઈટ સેવા રદ કરી દેવામાં આવી છે.
જાહેર પરિવહન ઠપ કરી દેવાની ફરજ પડી છે. એકલા હૈનાન પ્રાંતમાંથી ૧.૯૮ લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હોવાનું સરકારી ન્યુઝ એજન્સીએ જણાવ્યું હતું.
વાવાઝોડા માત્મોને પગલે સમુદ્રમાં ભારે કરંટથી ગ્વાંગડોંગના ઝાનજિયાંગના દરિયાકાંઠાના ગામોમાં ઊંચા મોજા ઉછળતાં દરિયાનું પાણી માર્ગાે પર ફરી વળ્યું હોવાનું કેટલાક વીડિયો ન્યુઝમાં જોવા મળ્યું હતું. ગ્વાંગડોંગના દક્ષિણપશ્ચિમ વિસ્તાર આ વાવાઝોડાની રડારમાં છે જેને વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
આ ક્ષેત્રમાંથી ૧.૫૧ લાખ લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરાયું હતું. સત્તાવાળાઓએ વાવાઝોડાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. બંને પ્રભાવિત પ્રાંતોમાં ૧૦૦થી ૨૪૯ મીમી (૩.૯૩થી ૯.૮ ઈંચ) વરસાદ નોંધાઈ શકે છે.
આ વાવાઝાડોની રડારમાં નહીં હોવા છતાં મકાઉ ખાતે ખરાબ હવામાનને લીધે શૈક્ષણિક કામકાજ બંધ કરવાની ફરજ પડી હતી.માત્મો વાવાઝોડાએ આ સપ્તાહે ફિલિપાઈન્સ પર તાંડવ મચાવ્યું હતું. જેમાં ૨.૨૦ લાખ લોકોને અસર થઈ હતી. સદનસીબે જાનમાલને કોઈ મોટું નુકસાન થયું નહતું. ફિલિપાઈન્સને ઘમરોળ્યા બાદ વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તર દિશામાં ફંટાતા ઉત્તર વિયેતનામ અને ચીનના યુનાન પ્રાંત તરફ ધપી શકે છે.SS1MS