બહેરામપુરા વિસ્તારમાં ગટરના પાણી ઘરમાં ઘુસ્યા

કેમિકલયુક્ત ગંદુ પાણી ગટરોમાંથી ઉભરાતા નગરજનોમાં રોષ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: શહેરના કોટ વિસ્તારમાં પ્રદુષિત પાણી તથા કેમિકલયુક્ત પાણી આવતું હોવાની ફરીયાદો અનેકવાર કરવા છતાં મ્યુનિસિપલ તંત્ર હજુ ઘોર નિંદ્રામાંથી બહાર આવ્યુ નથી. એક તરફ પાણીજન્ય રોગચાળો શહેરમાં વધી રહ્યો છે બીજી બાજુ ચીનમાં કહેર મચાવતા કોરો-રો વાયરસની દહેશત વચ્ચે નગરજનો ફફડાટ અનુભવી રહ્યા છે. સિવિલ હોસ્પીટલ તથા વાડીલાલ સારાભાઈ હોસ્પીટલો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનું એન્જીનિયરીંગ વિભાગ તથા હેલ્થ વિભાગ પ્રદુષિત પાણીની સમસ્યા દૂર કરવા યુધ્ધના ધોરણે પગલાં ભરે એમ નગરપાલિકાની માંગણી છે.
ઔદ્યોગિક કારખાનાઓ તરફથી કેમિકલયુક્ત ગંદુ પાણી છોડવામાં આવે છે. અનેક ફરીયાદો તથા રજુઆતો કરવા છતાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તરફથી કોઈપણ પગલાં ઔદ્યોગિક એકમો સામે લેવામાં આવતા નથી. અને લોકોને તેને કારણે કેમિકલયુક્ત રંગીન ગંદુ પાણી પીવા માટે મજબુર બનવુ પડે છે. મ્યુનિસિપલ કોર્પોેરશનના સત્તાવાળાઓ સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે.
કોટ વિસ્તારમાં આવેલા ડ્રેનેજલાઈનો પ૦ વર્ષથી જૂની હોવાને કારણે અવારનવાર ડ્રેનેજ લાઈનો લીક થવાની ફરીયાદો પણ ઉઠી રહી છે અને અનેકવાર નગરજનો તરફથી કરવામાં આવી છે. મ્યુનિસિપલ સત્તાવાળાઓનું કહેવું છે કે વર્ષો જુની પાઈપલાઈન બદલવા માટે આયોજન થઈ રહ્યુ છે.
દરમ્યાનમાં બહેરામપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં લીકેજ થવાથી ઠેર ઠેર ગટરોમાંથી કેમિકલ યુક્ત ગંદા પાણીના ફૂવારાઓ ઉડી રહ્યા છે. રસ્તા ઉપર ઠેર ઠેર ગંદુ પાણી વહેતું હોય છે. ઘણા મકાનોમાં પણ કેમિકલયુક્ત ગંદુ પાણી ઘુસ્યુ હોવાના સમાચાર છે. ડ્રેનેજલાઈનો પણ લીક થવાને કારણે તથા ગટરો ઉભરાતા કેમિકલયુક્ત ગંદા પાણી રસ્તાઓ પર તથા મકાનોમાં ઘુસતા ચોતરફ દુર્ગંધ મારી રહી છે.
ઘરોમાં પણ લોકો દુર્ગંધને કારણે અકળામણ અનુભવી રહ્યા છે. તથા રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે. મ્યુનિસિપલ તંત્રની નિષ્ક્રિયતા તથા બેજવાબદારીની સામે લોકોનો આક્રોશ વધી રહ્યો છે. ઘરોમાં પાણી પણ રંગીન ગંદુ પ્રદુષિત પાણી આવી રહ્યુ છે. જેને કારણે વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે.