તાવિજનો દોરો ગળામાં ફસાઇ જતાં એક વર્ષના બાળકનું મોત
લખનૌ, બાળકને ગોડિયામાં સુવડાવીને કામકાજ કરવા લાગતી માતાઓની આંખ ઉઘાડતો કિસ્સો ઉત્તર પ્રદેશમાં બન્યો છે. ગોડિયામાં સુવડાવેલા બાળકના ગળામાં બાંધેલા દોરો બાળકના મોતનું કારણ બન્યું હતું. બાળકના મોતના કારણે પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી પ્રમાણે ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં કાંધલા વિસ્તારમાં આવેલા ગઢી ગામમાં રહેતા શાહિદના એક વર્ષના પુત્ર સાહિલનું સવારે ઘરના આંગણામાં રાખેલા ગોડિયામાં રમતા રમતા સુઈ ગયો હતો. શાહિદના જણાવ્યા પ્રમાણે બાળક સુઈ ગયા બાદ માતા અને પરિવારના લોકો પોત-પોતાના કામમાં લાગી ગયા હતા.
આ દરમિયાન બાળકના ગળામાં બાંધેલા તાવિજના દોરો ગોડિયામાં ફસાઈ ગયો હતો. દોરો ગોડિયામાં ફસાઈ જતા બાળકનું ગળું દબાયું હતું. જેના કારણે શ્વાસ રુંધાતા તેનું મોત નીપજ્યું હતું. થોડીવાર પછી બાળકની માતા તેને જોવા માટે આવી તો દોરો ગોડિયામાં ફસાયેલો જોયો અને તરત જ બાળકને ઉપાડી લીધો પરંતુ બાળકમાં કોઈ હરકત જોવા ન મળી અને પગ પડી જતા હતા. માતાની બુમો સાંભળીને પરિવારજનો પણ આવી પહોંચ્યા હતા. બાળકને સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર લઈ ગયા હતા જ્યાં ફરજ ઉપર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત બાદ પરિવારજનોમાં શોકલની લાગણી ફેસાઈ હતી. ડોક્ટર તિલક સિંહના જણાવ્યા પ્રમાણે બાળકનું શ્વાસ રુંધાવાના કારણે થયું છે.