અમદાવાદના જવેલર્સોને ત્યાં આઈટી વિભાગના દરોડા
અમદાવાદ: આવકવેરા ખાતા દ્વારા અમદાવાદના સીજી રોડ, માણેકચોક અને શિવરંજની વિસ્તારમાં આવેલા વિવિધ જ્વેલર્સના ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આવકવેરા વિભાગને મોટી સફળતા હાથ લાગી છે. આ દરોડામાં જ્વેલર્સ પાસેથી બિનહિસાબી સોનાનો મોટો જથ્થો મળી આવ્યો હોવાનું જણાય છે. તેમની પાસેથી બિલ વિના કરવામાં આવેલા વેચાણના વધારાના નાણાં પણ મળી આવ્યા છે.
આ પાંચ ગ્રુપના સોનીઓ એન્ટ્રી પ્રોવાઈડર્સ તરીકે પણ સક્રિય હોવાનું આવકવેરા ખાતાની તપાસમાં બહાર આવ્યું છે. આવકવેરાના તપાસ કરતાં અધિકારીઓ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે આ સોનીઓ પાસે ચોપડે દર્શાવેલા સોનાના સ્ટોક કરતાં ઘણો વધારે સોનાનો જથ્થો મળી આવ્યો છે. આ તમામ જથ્થાનો તેમની પાસે હિસાબ માગવામાં આવ્યો છે. તેમની પાસેથી હિસાબ ન મળતાં આ જથ્થો અલગ તારવીને તેના મૂલ્યાંકનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં બિનહિસાબી સોનાના વેચાણ થકી થયેલી રોકડની જંગી આવક પણ પકડાઈ છે
સી.જી. રોડ પર આવેલ અષ્ટમંગલ ચેઈન્સ પ્રાઈવેટ લિમિટેડ, (માણેકચોક અને સી.જી. રોડ), નેશનલ પ્લાઝામાં આવેલી શ્યામ બુલિયન, શિવરંજની ખાતે આવેલા આર.એચ.ઝવેરીના શા રૂમ તથા રતનપોળમાં આવેલા એકમનો સમાવેશ થાય છે.
આ જ રીતે સી.જી. રોડ પર આવેલા સુવર્ણસંસ્કૃતિ જ્વેલર્સ પ્રાઈવેટ લિમિટેડને પણ આવરી લેવામાં આવી છે. અમદાવાદના માણેકચોકમાં આવેલા ઓમ ચેઈનના શા રૂમ ઓમ ચેઈનમાંની આૅફિસોમાંથી બિનહિસાબી વેચાણના દસ્તાવેજો મોટી સંખ્યામાં મળી આવ્યા છે.