Western Times News

Gujarati News

રામ મંદિર નિર્માણની ૧૯મીએ જાહેરાતની શક્યતા

નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ તથા તેની દેખરેખ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રેની પ્રથમ બેઠક ૧૯મી ફેબ્રુઆરીના દિવસે દિલ્હીમાં મળી રહી છે. મળેલી માહિતી મુજબ આ બેઠકમાં ટ્રસ્ટના અધ્યક્ષ, મહામંત્રી અને કોષ અધ્યક્ષની ચંટણી કરવામાં આવશે. સાથે સાથે મંદિર નિર્માણ માટેની તારીખની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. સુત્રો ઉપર વિશ્વાસ કરવામાં આવે તો રામ નવમી અથવા તો અક્ષયતૃતિયા એટલે કે બીજી એપ્રિલ અથવા તો ૨૬મી એપ્રિલથી રામ મંદિરના નિર્માણ કામગીરીની શરૂઆત પર સહમતિ થઇ શકે છે.

અયોધ્યા કેસમાં લાંબા સમયથી હિન્દુ પક્ષની તરફેણ કરનાર કે પરાસરણ છે જે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી તરીકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં કુલ ૧૫ સભ્યો રહેલા છે. પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જેવા પુરસ્કારોથી સન્માનિત પરાશરણ ઉપરાંત આ ટ્રસ્ટમાં જગતગુરુ શંકારાચાર્ય સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી, જગતગુરુ માધવચાર્ય, યુગપુરુષ પરમાનંદ મહારાજ અને સ્વામી ગોવિંદ દેવગીરીનો સમાવેશ કરાયો છે.

આ ઉપરાંત અયોધ્યા રાજ પરિવારના બિમલેન્દ્ર મોહન પ્રતાપ, હોમિયોપેથીના તબીબ અને સંઘના અવધ પ્રાંતના અનિલકુમાર મિશ્રા, ૧૯૮૯ના રામ મંદિર આંદોલનમાં પ્રથમ ઇંટ મુકનાર પ્રથમ કારસેવક કામેશ્વર ચૌપાલ અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્રદાસને ટ્રસ્ટમાં સામેલ કરાયા છે. અત્રે નોંધનીય છે કે, ૫મી ફેબ્રુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ટ્‌સ્ટ બનાવવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે લીલીઝંડી આપી હતી. આની સાથે જ ટ્રસ્ટની રચનાને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. આ ટ્રસ્ટમાં ૧૫ ટ્રસ્ટીઓને સામેલ કરવામાં આવ્યા છે.

મોદીએ જાહેરાત કરતા કહ્યુ હતુ કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની રચનાના પ્રસ્તાવને પસાર કરી દેવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, છેલ્લા ૭૦ વર્ષથી ચાલી રહેલી કાયદાકીય લડાઇ, ૪૦ દિવસ સુધી સતત ચાલેલી મેરેથોન સુનાવણી બાદ આખરે નવમી નવેમ્બરના દિવસે અયોધ્યા મામલામાં સુપ્રીમ કોર્ટે તેનો ઐતિહાસિક ચુકાદો આપી દીધો હતો. સુપ્રિમ કોર્ટે સંપૂર્ણ વિવાદાસ્પદ જમીન રામલલા વિરાજમાનને સોંપવાનો હુકમ કર્યો હતો.

સાથે સાથે સુન્ની વક્ફ બોર્ડને અયોધ્યામાં જ કોઈ અન્ય જગ્યા પર પાંચ એકડ જમીન આપવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદા પર ભારતભરમાં તમામ લોકોની બાજ નજર રહેલી હતી. રાજકીય રીતે ખુબ જ સંવદેનશીલ ગણાતા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટની પાંચ જજની બેંચે સર્વસંમંતિથી અથવા તો ૫-૦થી આ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાન અને સુન્ની વક્ફ બોર્ડને જ પક્ષકાર તરીકે ગણ્યા હતા.

ટોપની કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરવાના નિર્ણયમાં પણ સુધારો કર્યો હતો. આખરે સુપ્રીમ કોર્ટે રામલલા વિરાજમાનની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ટ્રસ્ટમાં નિર્મોહી અખાડાને પ્રતિનિધીત્વ આપવાનો આદેશ કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.