ઓડિશામાં બસ વીજળીના વાયરને અડી જતા ૯ લોકોના મોત નિપજયાં
બ્રહ્મપુર, ઓડિશામાં ગંજામ જિલ્લામાં ગોલંતારામાં રવિવારે ઉપરથી પસાર થતા વીજળીના તાર સાથે સંપર્કમાં આવેલી બસમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં ૯ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૨૨ મુસાફરો ઘાયલ થયા હતા જેમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જંગલપાડુના ચિકરાદા જતી બસ ૧૧ કિલોવોટ વીજળીની ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આી હતી. જેના કારણે બસમાં આગ લાગી હતી.
આ બસમાં સવાર લોકો નજીકના ગામમાં સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે જતા હતા. સ્થાનિક લોકો લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને અંદર ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલ લોકોને બ્રહ્મપુરના એમકેસીજી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મુખ્ય ફાયર અધિકારી સુકંત સેઠીના જણાવ્યા પ્રમાણે આગ ઓલવી દીધી છે. પારે,ણ લાઈનથી વીજળીનો પુરવઠો બંધ કરવામાં આવ્યો અને ગાડીની અંદરના બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.
ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ઘટના ઉપર દુઃખ વ્યક્ત કર્યું હતું અને આ સાથે મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની ઘોષણા પણ કરી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મફત સારવાર આપવામાં આવશે.
રાજ્યના પરિવહન મંત્રી પદ્માનાભ બેહરાના જણાવ્યા પ્રમાણે આખી ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ કરવામાં આવશે. દોષિયો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને ઇસ્પાત મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઘટના ઉપર શોક વ્યક્ત કર્યો હતો અને ઘટનાની તપાસ કરવાની માંગ કરી હતી. અને ઘાયલોના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી.