જમ્મુ કાશ્મીર માર્ગ દુર્ઘટનામાં ૩૫ના મોત, અનેક ઘાયલ થયા
ઘાયલ થયેલા લોકોને એરલિફ્ટ કરીને ખસેડવામાં આવ્યા : ઇજાગ્રસ્તો પૈકી અનેક ગંભીર ઃ મૃતકના પરિવારને પાંચ લાખ :મોદી, શાહે વ્યક્ત કરેલું દુખ |
કિશ્તવાર : જમ્મુ કાશ્મીરના કિશ્તવારમાં ભીષણ માર્ગ દુર્ઘટનામાં ૩૫થી વધુ લોકોના મોત થઇ ગયા છે અને ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના એક મિની બસ ખીણમાં પડી જવાના કારણે સર્જાઈ છે. ઘાયલ થયેલા લોકો પૈકી ત્રણ લોકોને જમ્મુ એરલીફ કરવામાં આવ્યા છે. અન્ય ઘાયલોને પણ એરલીફ કરીને લાવવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કિશ્તવાર માર્ગ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે રકમ આપવાની જાહેરાત કરી છે. રાજ્યપાલ મલિકે મૃતકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સાથે સાથે ઘાયલ થયેલા લોકોને સર્વશ્રેષ્ઠ સુવિધા આપવાની જાહેરાત કરી છે. જે ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને જમ્મુ રાજકીય મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા છે.
તેમાં પ્રવિણબાનોપુત્રી અબ્દુલ ગફાર, તારીક હુસૈન પુત્ર ગુલામ મોહમ્મદ, મોહમ્મદ અબ્દુલ વાની પુત્ર અબ્દુલ સુમાન, દિપા પુત્રી જાધરામ, મોહમ્મદ ઇલિયાસ પુત્ર સુભાન ભટ્ટ, હમીદ રાથર પુત્ર મોહમ્મદ ગની, અજરાબાનુ પુત્રી ગુલામ મોહમ્મદ, કુલસુમાબાનો પુત્રી મોહમ્મદ અશરફ નીર, અબ્દુલ રહેમાન પુત્ર અહેમદ ભટ્ટ, હસીનાબાનો પુત્રી ગુલામ મોહમ્મદ, મુનીમબેગમ પત્નિ યાકીર હુસૈનનો સમાવેશ થાય છે. મૃતકોની ઓળખ પણ કરી લેવામાં આવી છે.
તમામની ઓળખ કરી લેવામાં આવ્યા બાદ તેમના પરિવારના સભ્યોને પણ જાણ કરવામાં આવી છે. મૃતકોના નામ પણ સપાટી ઉપર આવી ચુક્યા છે. બનાવની વિગત એવી છે કે એક મીની બસ ઉંડી ખીણમાં ખાબકી જતા ઓછામાં ઓછા ૩૫ લોકોના મોત થયા છે. અનેક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે દુર્ઘટનાગ્રસ્ત બસ કેશવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી.
વચ્ચે આ બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જમ્મુના આઇજીપી એમકે સિંહાએ કહ્યુ છે કે આ ભીષણ દુર્ઘટનામાં હજુ સુધી ૩૫ લોકોના મોતના અહેવાલને સમર્થન મળી ચુક્યુ છે.સ્થાનિક વહીવટીતંત્ર અને પોલીસની સહાયથી બચાવ અને રાહત કામગીરી તરત જ હાથ ધરવામાં આવી હતી. આ પહેલા એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યુ હતુ કે મોતનો આંકડો હજુ વધી શકે છે. આજે વહેલી સવારે સાઢા છ વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. ઘાયલ થયેલા લોકોની સંખ્યા હાલમાં ૨૦ દર્શાવવામાં આવી રહી છે. મોતના આંકડા અંગે વિરોધાભાસી હેવાલ મળી રહ્યા છે. ઘાયલ થયેલા તમામ યાત્રીઓને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
દુર્ઘટના બની ગયા બાદ મીની બસમાં ફસાઇ ગયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. માર્યા ગયેલા લોકોની ઓળખ હજુ સુધી કરી શકાઇ નથી.મીની બસ સંખ્યા જેકે૧૭-૬૭૮૭ કેશવાનથી કિશ્તવાડ તરફ જઇ રહી હતી ત્યારે આ બનાવ બન્યો હતો. શ્રીગીરી પાસે માર્ગથી લપસીને બસ ખીણમાં પડી હતી. સ્થાનિક લોકોનુ કહેવુ છે કે બસ ઓવરલોડ થયેલી હતી. જમ્મુ કાશ્મીરમાં હાલમાં કેટલીક માર્ગ દુર્ઘટના થઇ છે. હાલમાં જ કેટલીક દુર્ઘટના થયા બાદ લોકો દ્વારા નારાજગી વ્યકત કરવામાં આવી રહી છે. દરમિયાન અકસ્માત અંગે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દુખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને સારી સારવાર આપવા માટે પણ અપીલ કરી છે.