Western Times News

Gujarati News

રૂ. ૨.૫૬ લાખનું મંગળસૂત્ર સુરક્ષિત રીતે માલિકને સોંપાયું: AMC કર્મચારીઓની માનવતા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના સિંધુભવન રોડ પર ચાલી રહેલા શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન માનવીય સંવેદના અને ઈમાનદારીનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું, જ્યાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓની સતર્કતા અને જવાબદારીના કારણે અંદાજે રૂ. ૨.૫૬ લાખ કિંમતનું ગુમ થયેલું સોનાનું મંગળસૂત્ર તેના મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત સોંપવામાં આવ્યું હતું.

વાત એમ છે કે, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં સવારે હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવી રહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ (ઉત્તર પશ્ચિમ ઝોન)ના કર્મચારી શ્રી નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયા સફાઈની તપાસ અને વ્યવસ્થા જોવા માટે વિસ્તારમાં નીકળ્યા હતા.

આ દરમિયાન સોનાનું મંગળસૂત્ર મળ્યું હતું, જેની અંદાજિત કિંમત રૂપિયા ૨.૫૬ લાખ હોવાનું જાણવા મળ્યું. બંને કર્મચારીઓએ ક્ષણભર પણ વિલંબ કર્યા વિના આ બાબતની જાણ થલતેજ-૦૩ સબ ઝોનના આસી. મ્યુનિસિપલ કમિશનર  હાર્દિકભાઈ ઠાકોરને કરી હતી.

હાર્દિકભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ તરત જ આ કિંમતી વસ્તુના સાચા માલિકને શોધવા માટે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ફેસ્ટિવલ સ્થળના સી.સી.ટી.વી. કેમેરાની પણ ચકાસણી કરવામાં આવી, પરંતુ પ્રાથમિક રીતે મંગળસૂત્રના મૂળ માલિક સુધી પહોંચવું શક્ય બન્યું નહોતું. ત્યારબાદ હેલ્પ ડેસ્કના રજીસ્ટરમાં મળેલ મંગળસૂત્ર અંગેની સંપૂર્ણ નોંધ શ્રી નિલકંઠપુરી ગૌસ્વામી દ્વારા કરવામાં આવી હતી.

રાત્રિના આશરે ૧૨:૦૦ વાગ્યાના સમયે મંગળસૂત્ર ગુમાવનાર મૂળ માલિક હેલ્પ ડેસ્ક પર પહોંચ્યા હતા. તેમણે મંગળસૂત્રના જુના ફોટોગ્રાફ્સ તેમજ ખરીદીનો બિલ રજૂ કરી પોતાની ઓળખ સાબિત કરી હતી. જરૂરી ચકાસણી અને ખરાઈ કર્યા બાદ મંગળસૂત્ર સંપૂર્ણ સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યું હતું.

આમ, કિંમતી મંગળસૂત્ર પાછું મળતાં મૂળ માલિકે રાહતનો શ્વાસ લીધો હતો  તેમજ હેલ્પ ડેસ્ક પર ફરજ બજાવતા  નિલકંઠપુરી ગૌસ્વામી અને હેતલબેન છોટીયાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના શહેરી સેવાઓમાં કાર્યરત કર્મચારીઓની ઈમાનદારી, જવાબદારી અને માનવીય સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.