લિંકન ફાર્મા.નો FY2019-20નો Q3 ગાળાનો ચોખ્ખો નફો રૂ. 10.92 કરોડ થયો
ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા ત્રીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કામગીરીના પગલે કંપનીએ આવકમાં 19.74 ટકા, નિકાસોમાં 27.52 ટકા અને ઈપીએસમાં 19.47 ટકાનો વધારો નોંધાવ્યો છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2019-20ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 10.92 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. 9.14 કરોડના ચોખ્ખા નફા કરતાં 19.47 ટકા વધુ હતો. ડિસેમ્બર, 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખી આવકો રૂ. 101.56 કરોડ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળાની રૂ. 84.81 કરોડની ચોખ્ખી આવકો કરતાં 19.74 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ ઈપીએસ રૂ. 5.46 નોંધાઈ હતી જે ગત નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 4.57 હતી.
કંપનીના પરિણામો અને કામગીરી અંગે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પડકારજનક વ્યાપારિક માહોલ છતાં કંપનીએ ત્રિમાસિક ગાળા માટે મજબૂત નાણાંકીય કામગીરી દર્શાવી છે અને આવકો તથા નફાકારકતામાં તંદુરસ્ત વૃદ્ધિ નોંધાવી છે. આગામી વર્ષોમાં વિકાસની કામગીરી આ જ ગતિએ ચાલુ રહેશે તેવી ધારણા છે.
નાણાંકીય વર્ષ 2020ના ત્રીજા ત્રિમાસિક ગાળા માટે નિકાસ વેચાણો વાર્ષિક ધોરણે 27.52 ટકા વધીને રૂ. 86.21 કરોડ રહ્યા હતા. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત કામગીરી, નવી પ્રોડક્ટ્સને મંજૂરી, પ્રોડક્ટ્સ પર વધુ સારા માર્જિન, તંદુરસ્ત ગ્રાહક અને પ્રોડક્ટ બેઝ તથા કામગીરીની ક્ષમતા વધારવા માટે પડતરનિર્ધારણની વ્યૂહરચનાઓના પગલે આ વૃદ્ધિ જોવા મળી છે. ઉત્કૃષ્ટ આરએન્ડડી ક્ષમતાઓ, ઉદ્યોગજગતનો વર્ષોનો અનુભવ તથા બજાર ગતિશીલતાના પરિવર્તનોના લીધે અમને વિશ્વાસ છે કે અમે કામગીરીમાં વધારે સુધારો લાવી શકીશું અને ટૂંકાથી મધ્યમ ગાળા માટે શેરધારકોની સંપત્તિમાં વધારો કરી શકીશું.