Western Times News

Gujarati News

પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો છે : રાજયપાલ

આણંદ: ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ વિષયક વર્કશોપમાં કિસાનોની ઉપસ્થિતિ અને કિસાનોના ઉત્સાહના દર્શન કરતાં ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્યાય શરૂ થઇ રહ્યો હોવાનું કહ્યું હતું.

રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે આણંદ ખાતે મધ્ય ગુજરાત ઝોન અને આણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, બોટાદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના પ્રાકૃતિક કૃષિની તાલીમ પામેલા માસ્ટર ટ્રેનરોની રાજય સરકારના કૃષિ, ખેડૂત, કલ્યાણ અને સહકાર વિભાગ, આત્મા ડાયરેકટર, સમેતી, ગાંધીનગર અને આણંદ કૃષિ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે યોજાયેલ પ્રશિક્ષિત ખેડૂતોની તાલીમ કાર્યશાળાના  અધ્યક્ષસ્થાનેથી રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્ન દૂષિત થઇ ગયા છે. તેમણે જણાવ્યું હતું કે,


પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદનની સાથે ગુણવત્તા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરી શહેરી વિસ્તારના લોકો ફેમીલી ડૉકટરની જેમ ફેમીલી ખેડૂતના વિચારને અપનાવતા થાય  તેવા વાતાવરણના નિર્માણની સાથે પ્રાકૃતિક ખેતી પ્રતિ સંકલ્પબધ્ધ થવા કહ્યું હતું.

રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્તિત્વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે. તેમણે  રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના ઉપયોગથી આપણે જમીનો બંજર બનાવી દીધી છે અને જે ખેડૂતોના મિત્ર છે તેવા અળસિયા અને સૂક્ષ્મ જીવોનું સંવર્ધન થતું નથી તેમ જણાવી સાચા અર્થમાં અળસિયા ખેડૂતોના મિત્ર છે ત્યારે આ અળસિયાના સંવર્ધન માટે પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત સમજાવી હતી.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજયમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે આજે ગુજરાતમાં એક નવી પ્રાકૃતિક કૃષિ ખેતીનો એક નવો અધ્યાય શરૂ થઇ ગયો હોવાનું જણાવી જે ખેડૂતો તાલીમબધ્ધ થયા છે તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો ગામે-ગામ ખેડૂતો સુધી પહોંચાડવા પ્રતિબધ્ધ થવા હાંકલ કરી હતી.

રાજયપાલશ્રીએ ગ્લોબલ વોર્મિંગ અને કલાઇમેન્ટ ચેન્જ, ખાદ્યાન્ન અસુરક્ષા, મહાકાય રોગોમાંથી મુકિત, પ્રાકૃતિક આપદાઓ અને યંત્ર માનવો તથા કૃત્રિમ બુધ્ધિમતાના પડકારોને પહોંચી વળવા માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ એકમાત્ર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ ઉપાય હોવાનું કહ્યું હતું.

 

રાજયપાલશ્રીએ કિસાનો ભાષણથી નહીં પરંતુ પોતાની આંખથી જોઇને અનુભવથી શીખે છે તેનું જો કોઇ શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો તે છે હિમાચલ પ્રદેશમાં ૫૦ હજાર કિસાનો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિથી ખેતી કરે છે, આંધપ્રદેશમાં પાંચ લાખ ખેડૂતોએ આ પધ્ધતિ અપનાવી છે તેનો ગુજરાતના ખેડૂતોને લાભ મળે તે માટે ગુજરાતમાંથી અસંખ્ય ખેડૂતો આજે આત્મા દ્વારા કુરૂક્ષેત્ર અને હિમાચલ પ્રદેશના પ્રવાસ દ્વારા પ્રાકૃતિક કૃષિનું પ્રત્યક્ષ જ્ઞાન મેળવી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના કિસાનોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ દ્વારા રાજય સરકારે કિસાનોને વિકાસનો નવો રાહ ચીંધ્યો છે તેમ જણાવી રાજયપાલશ્રીએ રાજય સરકારે પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુજરાતના કિસાનો માટે વિકાસ યજ્ઞ શરૂ કર્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોએ હવે પ્રાકૃતિક કૃષિ માટે પુરૂષાર્થ કરી દેશના અન્ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવાની હિમાયત કરી હતી.

ગુજરાતની પવિત્ર ધરતી પર સેવા કરવાનો લાભ મળ્યો એ પોતાનું સદભાગ્ય હોવાનું જણાવી રાજયપાલશ્રીએ ઉમેર્યું કે, જે ધરતીએ મહાત્મા ગાંધી, સરદાર પટેલ, મહર્ષિ દયાનંદ સરસ્વતીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા સપૂતોને જન્મ આપ્યો છે તે ધરતીના ધરતીપુત્રો હવે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશનું દિશાદર્શન કરવા સજજ થઇ રહયા છે. એક દેશી ગાયથી ૩૦ એકર જમીનમાં સુભાષ પાલેકર વિધિથી પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે, તેમ જણાવી આ પધ્ધતિના લાભ ગણાવતાં રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથી, કૃષિ ખર્ચ અત્યંત ઘટે છે, રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશથી બંજર બનતી જમીન અટકશે અને જમીનની ફળદ્રુપતા વધશે તેમ કહ્યું હતું.

રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી પાણીનો વપરાશ ૫૦ થી ૬૦ ટકા ઘટે છે. ગુજરાતની ગીર અને કાંકરેજ જેવી દેશી ગાયનું જતન-સંવર્ધન થશે. ઝેરમુકત ખાદ્યાન્નથી સામાજિક સ્વાસ્થ્યનું જતન થશે એટલું જ નહીં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્પ કર્યો છે તેની સિધ્ધિ માટે પ્રાકૃતિક કૃષિ જે એક માત્ર ઉપાય હોવાનું જણાવી કિસાનોનો કૃષિ ખર્ચ ઘટવાની સાથે તેમની આવક બમણી થતાં કિસાનો ઋણમુકત બનશે. ગામના પૈસા ગામમાં રહેશે. શહેરના પૈસા પણ ગામમાં આવશે જેથી ખેડૂત-ખેતી અને ગામડાં સમૃધ્ધ બનશે તેમ કહ્યું હતું. રાજયપાલશ્રીએ કિસાનોને કેટલાંક લોકો તમને પ્રાકૃતિક કૃષિ તરફ ન વળવા અને કમજોર કરવા પ્રયાસ કરશે પણ આવા લોકોથી દોરાઇ જવાને બદલે જયારે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ વળી રહ્યા છે ત્યારે જે જમીનો બંજર થઇ ગઇ હતી તે જમીનો આજે પ્રાકૃતિક કૃષિ થકી ઉપજાવ બની રહેવાની સાથે ખેડૂતો ખુશહાલ, સુખી બનશે જેનાથકી પૂરા ભારત દેશની છબિ બદલાશે તેમ જણાવ્યું હતું.

પ્રારંભમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી પૂનમચંદ પરમારે સ્વાગત પ્રવચન કરી ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે હાથ ધરવામાં આવી રહેલ અભિયાનની તેમજ પ્રાકૃતિક કૃષિના વ્યાપ અને વિસ્તાર માટે તૈયાર કરવામાં આવી રહેલ માસ્ટર ટ્રેનરોની વિગતો આપી આજે ગુજરાતમાં ૨૦ હજારથી પણ વધુ કિસાનોએ તાલીમ લઇને માસ્ટર ટ્રેનરો તરીકે કામ કરી રહ્યા હોવાની જાણકારી આપી હતી.

પરમારે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાસ કરીએ તેમ જણાવી માસ્ટર ટ્રેનરોને વધુને વધુ કિસાનો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાઇને એક નવી પ્રાકૃતિક ક્રાંતિ તરફ પ્રયાસ કરવા કિસાનોને જણાવ્યું હતું. અંતમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી અરૂણભાઇ પટેલે આભારવિધિ કરી હતી.

આ પ્રસંગે પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ અપનાવનાર નવ જિલ્લાના કિસાનોએ તેઓ કેવી રીતે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા અને તેઓને શું લાભ થયા છે તેનું વર્ણન કરી પોતાની વિગતો રજૂ કરી આજે તેઓ માસ્ટર ટ્રેનરો તરીકે કામ કરીને અન્ય કિસાનોને તેનો લાભ આપી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે નવ જિલ્લાના કન્વીનરો અને સહકન્વીનરો સાથે રાજયપાલશ્રીએ શુભેચ્છા મુલાકાત કરી તેઓની સાથે વાર્તાલાપ કર્યો હતો અને પુષ્પગુચ્છ તથા પુસ્તક અર્પણ કરી તેઓનું અભિવાદન કર્યુ હતું.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્યાસ, આત્માના ડાયરેકટર
શ્રી કે.ડી.પંચાલ, જિલ્લા કલેકટર શ્રી આર. જી. ગોહિલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર સહિત નવ જિલ્લાના અને તાલુકાના કન્વીરનરો-સહકન્વીનરો તેમજ વિશાળ સંખ્યામાં કિસાનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.