Western Times News

Gujarati News

‘હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને ‘વોકલ ફોર લોકલ’ મંત્રને ચરિતાર્થ કરતી દાહોદ જિલ્લાની બહેનો

ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને આર્થિક મદદ મળી રહી છે.-પ્રજાપતિ લક્ષ્મીબેન

દાહોદ જિલ્લામાં લીમડી તાલુકાના રણીયાર ગામ ખાતે “જય બ્રહ્માણીમાં WSHG” સ્વસહાય જૂથ દ્વારા ગામની જ ૨૨ જેટલી બહેનોને માટીકામ થકી રોજગારી મળી રહી છે. આ જૂથની વાત કરીએ તો, માટીકામ થકી અહી ગામની જ બહેનો દ્વારા વિવિધ પ્રકારની ડિઝાઈન અને આકારમાં કોડીયા, દીવા, અગરબત્તી સ્ટેન્ડ, ફૂલદાની, દહીં હાંડી, બિરયાની હાંડી, ગલ્લા, કુલ્હડ, વાડકી તેમજ ફૂલછોડ માટેના પોટ જેવી અનેકવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે.

સ્વસહાય જૂથના પ્રમુખશ્રી પ્રજાપતિ લક્ષ્મીબેન જણાવે છે કે, ગામની વિધવા તેમજ જરૂરીયાતમંદ બહેનોને એમાંથી આર્થિક મદદ મળી રહી છે. આ બહેનોને કામ ચાલુ કર્યા પહેલા ૧ મહિના સુધી સતત તાલીમ આપી માટીકામ શીખવવામાં આવ્યું હતું.

ગાંધીનગરથી આ તાલીમ લેવામાં આવી હતી. મને પણ માટીકામમાં રસ છે. છેલ્લા ૬ મહિનાથી બહેનો પણ સતત ઘણું સારું કામ કરી રહી છે. બહેનોને દિવસના રૂપિયા ૩૫૦ ની રોજગારી મળે છે. સવારના ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી તેઓનો કામ પ્રત્યેનો ઉત્સાહ મને આ કામમાં હજી કઈ નવું અને વધુ કરવાની પ્રેરણા આપે છે.

માટીની વસ્તુઓ બનાવવા સ્થાનિક માટી સાથે મોરબીથી લાલ માટી પણ મંગાવવામાં આવે છે. માટી ગાળવા, ગુંદણ માટે, માટી ચાળવા, દાણા પાડવા માટેના એમ વિવિધ પ્રકારના મશીનો થકી કામગીરી કરવામાં આવી રહી છે.

આ તમામ મશીનો ગામની આ બહેનો સરળતાથી ઓપરેટ કરી રહી છે. હા, ૩ જેટલા ભાઈઓ પણ આ કામમાં જોડાયા છે, જેથી હાર્ડ વર્ક કરવામાં બહેનોની મદદ થઇ રહે છે. આ ભાઈઓ પણ બહેનોની સાથે જ કામગીરી કરી રહ્યા છે. તેઓ મશીન ઓપરેટ કરવાથી માંડીને જો કઈ નાનું-મોટું રીપેરીંગ કાર્ય હોય તો તેઓ જાતે જ કરે છે.

અમારે વસ્તુઓનું વેચાણ કરવા બજાર સુધી લાંબા થવું પડતું નથી, એમ કહેતાં પ્રજાપતિ લક્ષ્મીબેન વધુમાં જણાવે છે કે, દાહોદ સહિત અમદાવાદથી પણ અમને ઓર્ડર મળે છે, એ મુજબ અમે જથ્થામાં વેચાણ કરીએ છીએ. એ સાથે આસપાસના અમુક નાના-મોટા ધંધાદારીઓ પણ અમારી પ્રોડક્ટ લઈ જઈને બજારમાં વેચે છે. આ કામગીરી કરવા માટે બહેનોને દિવસના ૩૫૦ રૂપિયા મળે છે, જે થકી એમને ઘર ચલાવવા આર્થિક ટેકો મળી રહે છે. આ કામ થકી અમારા ગામની બહેનો પગભર થઇ છે. તેઓ ખેતીકામ, ઘરકામ કરવા સાથે આ કામગીરી પણ બખૂબી નિભાવી રહી છે.

દીવા બનાવવા માટેના ૯ મશીન, કુલ્હડ માટેના ૩ મશીન, હાંડીના ૩ મશીન, ફૂલછોડ માટેના પોટ માટેના ૨ મશીન, વાડકી માટેના ૨ મશીન, માટી ગાળવાના ૨ મશીન એમ કુલ ૨૧ જેટલા મશીન વડે બહેનો માટીકામમાં અવનવા આકાર આપી રહી છે. માટી બહેનોના હાથમાં આવતાં જ જાણે એ માટી વિવિધ આકારો પામી રહી છે.

આ બહેનોની મહેનત, સર્જનશક્તિ, સંકલ્પ અને આત્મ નિર્ભર થવા માટેના સપના સાથે સ્ફુરેલી કળા જાણે અવનવું સર્જન કરી રહી છે. આ તમામનું મિશ્રણ, બહેનોની અથાગ મહેનત અને આવડત જાણે અનેકવિધ આકારોમાં રંગ પામી રહ્યું છે. હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી’ અને વોકલ ફોર લોકલના મંત્રને ચરિતાર્થ કરતી આ બહેનો પોતાના હાથે જ અનેકો વસ્તુઓ બનાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.