બિહારમાં ધોરણ-૯માં ભણતી વિદ્યાર્થિની સાથે ગેંગરેપ કરી હત્યા
આરોપીઓએ લાશને ક્લાસમાં જ લટકાવી દીધો હતોઃ ત્રણેય આરોપીઓ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે |
પટણા, બિહારના ગોપાલગંજમાં એક સગીરા પર સ્કૂલ કેમ્પસમાં જ ગેંગરેપ કરવામાં આવ્યો હતો, જે બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસે બરૌલીના દેવાપુર હાઇસ્કૂલમાં ગેંગરેપ અને નિર્મમ હત્યા કેસને ફક્ત ૨૪ કલાકમાં જ ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે. પોલીસે આ હત્યાકાંડમાં મૃતક વિદ્યાર્થિનીના પ્રેમી અને તેના બે મિત્રોની ધરપકડ કર લીધી છે. પૂછપરછ દરમિયાન ત્રણેયએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.
પોલીસના કહેવા પ્રમાણે હત્યાકાંડ પહેલા વિદ્યાર્થિની સાથે ત્રણેય આરોપીઓએ બળાત્કાર ગુજાર્યો હતો, જે બાદમાં તેના હાથપગ બાંધીને તેની હત્યા કરી નાખી હતી. આરોપીઓએ લાશને ક્લાસમાં જ લટકાવી દીધો હતો. ધરપકડ કરવામાં આવેલા ત્રણેય આરોપીઓ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે. એસડીપીઓ નરેશ પાસવાને જણાવ્યું કે દેવાપુર સ્થિત અપગ્રેડ હાઇસ્કૂલમાં ધોરણ-૯ની વિદ્યાર્થિની સલોની (કાલ્પનિક નામ)ની હત્યા કરવામાં આવી હતી. પીડિતાના જ ક્લાસમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ પર હત્યાનો આરોપ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ત્રણેય આરોપીઓની ૨૪ કલાકની અંદર જ ધરપકડ કરી લેવામાં આવી હતી. આ દરમિયાન ત્રણેયએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
એસડીપીઓએ જણાવ્યું કે મૃતક વિદ્યાર્થિનીને હત્યાકાંડમાં સામેલ એક વિદ્યાર્થી સાથે પ્રેમ સંબંધ હતો. બંને અવારનવાર સ્કૂલ કેમ્પસમાં જ મળતા હતા. ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પીડિતા તેના પ્રેમીને એકલી મળી હતી. આ દરમિયાન તેના પ્રેમીના બે મિત્રોએ બંનેને એકલા મલથા જોઈ લીધા હતા. જે બાદમાં બંનેએ વિદ્યાર્થિની પર ગેંગરેપ કર્યો હતો. વિરોધ કરવા પર વિદ્યાર્થિનીના હાથપગ બાંધી દેવામાં આવ્યા હતા અને તેની હત્યા કરી નાખવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું કે પોલીસ હાલ એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી ગેંગરેપ બાદ હત્યાનો આખો મામલો સ્પષ્ટ થઈ શકે. આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં ડરનો માહોલ છે. હત્યાના બીજા દિવસે પણ સ્કૂલ બંધ રહી હતી. આ દરમિયાન આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. પોલીસે આ હત્યાકાંડનો મામલો ઉકેલી નાખ્યાનો દાવો કર્યો છે.