Western Times News

Gujarati News

કચ્છના માંડવી દરિયા કિનારે  ટેન્ટ સિટી – બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

ધોરડોના રણોત્સવની સાથે જ હવે દર વર્ષે માંડવીમાં પણ બીચ ફેસ્ટિવલ-ટેન્ટ સિટી સાથે યોજાશે

-: ગુજરાત પ્રવાસન નિગમે પંચાવન ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું માંડવીમાં નિર્માણ કર્યુ :-

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કચ્છના માંડવીના દરિયા કિનારે માંડવી બીચ ફેસ્ટીવલનો અને ટેન્ટ સિટીનો આરંભ કરાવતાં જાહેર કર્યુ છે કે હવે પ્રતિવર્ષ ધોરડોના રણોત્સવ સાથે જ માંડવીમાં પણ ટેન્ટ સિટી સાથે આ માંડવી બીચ ફેસ્ટીવલ યોજાશે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જે રીતે કચ્છનું સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટ વિશ્વ પ્રવાસન પ્રેમીઓનું આકર્ષણ છે તેમ જ આ વ્હાઇટ સેન્ડ બે બીચને પણ વર્લ્ડ ટુરિઝમ એટ્રેકશન બનાવવો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ વર્ષના બજેટમાં કચ્છના ધોળાવીરાનો આઇકોનીક પ્લેસ તરીકે વિકાસ કરવાની કરેલી જાહેરાતથી સમગ્ર કચ્છ પ્રદેશના પ્રવાસન- રિઝમ સેકટરને નવું બુસ્ટ મળશે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ કચ્છમાં રણોત્સવ ઉપરાંત ધોળાવીરા, માતાના મઢ, ભદ્રેશ્વર, નારાયણ સરોવર જેવા પ્રવાસન દર્શનીય સ્થળો તેમજ શ્યામજી કૃષ્ણ વર્મા મ્યુઝિયમ સહિતની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવીને કચ્છમાં પ્રવાસન પ્રવૃત્તિના સર્વગ્રાહીના વિકાસથી રોજગારી અને આર્થિક પ્રવૃત્તિઓને નવી દિશા આપવાની નેમ દર્શાવી હતી.

તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ મૂઝિયમના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘કચ્છડો બારે માસ…’ એ પરંપરાગત ઊકિતનો ઉલ્લેખ કરતાં એવો વિશ્વાસ વ્યકત કર્યો કે રણોત્સવ અને આ માંડવી ટેન્ટ સિટી – બે બીચ ફેસ્ટિવલના નવા કોન્સેપ્ટથી સમગ્ર કચ્છનું જનજીવન ધબકતું -વાયબ્રન્ટ બનશે.અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે રણ ઉત્સવને ભવ્ય પ્રતિસાદ સાંપડતાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા માંડવી દરિયાકિનારે તા. ૧૩ ફેબ્રુઆરીથી બે મહિના સુધી માંડવી બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

સફેદ રણની મુલાકાત લેતાં પ્રવાસીઓ હવેથી કચ્છના દરિયાકિનારાની મજા પણ માણી શકશે. પ્રવાસીઓ દરિયા કિનારે રાત્રિ- કાણ કરી શકે તે માટે પપ ટેન્ટ સાથેના ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. એસી પ્રિમિયમ, મીની દરબારી, એસી ડિલક્ષ, નોન-એસી ડિલક્ષ ટેન્ટનો આમાં સમાવેશ થાય છે.

ગત વર્ષના આંકડા અનુસાર માંડવી રાજ્યમાં લેઝર ડેસ્ટિનેશન કેટેગરીમાં ત્રીજા ક્રમે છે. માંડવી બીચની ગયા વર્ષે ર લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. માંડવી બીચ ફેસ્ટિવલના માધ્યમથી દેશ- દેશના પર્યટકોને આકર્ષિત કરી શકે તેવી વિવિધ સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ પણ વિકસાવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ મહોત્સવનો અને ટેન્ટ સિટીનો પ્રારંભ કરાવ્યો તે અવસરે પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા, રાજ્યમંત્રી શ્રી વાસણભાઇ આહિર, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખશ્રીઓ તેમજ પ્રવાસન સચિવ શ્રીમતી મમતા વર્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.