Western Times News

Gujarati News

પાટણ ખાતે નગરપાલિકા સંચાલિત શેલ્ટર હોમનું ઉદઘાટન કરતાં નીતિનભાઈ પટેલ

પાટણ: પાટણ ખાતે નવીન ઓવરબ્રીજના ભૂમિપૂજન પ્રસંગે ઉપસ્થિત રહેલા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પાટણના મુખ્ય બજાર ખાતે નવનિર્મિત આશ્રયસ્થાનનું ઉદઘાટન કરવામાં આવ્યું. અંબાબાઈ ધર્મશાળાની જગ્યા પર રૂ.૧.૨૬ કરોડના ખર્ચે ૧૦૦ પથારીની સુવિધા ધરાવતું શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, ઠંડી, તાપ અને વરસાદના સમયમાં ઝુંપડા બાંધી રહેતા પાટણ શહેરના ગરીબ, નિરાધાર અને ઘરવિહોણા લોકોની દરકાર કરી સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા રેનબસેરા યોજના હેઠળ શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે. ગરીબો અને વંચિતોના વિકાસની નેમ સાથે પંડિત દિનદયાળજીના માનવસેવાના સંસ્કારોને રાજ્ય સરકારે સાર્થક કર્યા છે.

વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, જુની ધર્મશાળાના સ્થાને નગરપાલિકા દ્વારા સવા કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આશ્રયગૃહમાં રહેવા તથા જમવા સાથેની સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા આવનારા પાંચ વર્ષ સુધી શેલ્ટર હોમ ચલાવવા રૂ.૫૫ લાખ જેટલી સહાય કરવામાં આવશે.

પાટણના મુખ્ય બજાર ખાતે જુની અંબાબાઈ ધર્મશાળાના સ્થાને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ રૂ.૧.૨૫ કરોડના ખર્ચે શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યું છે. ૧૦૦ પથારીની સુવિધા ધરાવતું નવનિર્મિત શેલ્ટર હોમ ફેમિલી ડોરમેટ્રી અને ભોજન કક્ષ સહિતની સુવિધાઓથી સજ્જ છે. પાટણ નગરપાલિકા સંચાલિત આ શેલ્ટર હોમના સંચાલન પાછળ વર્ષે રૂ.૧૧ લાખ લેખે આવનારા પાંચ વર્ષોમાં રૂ.૫૫ લાખ જેટલો ખર્ચ થશે.

આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના મિશન ડાયરેક્ટરશ્રી હર્ષવર્ધન મોદી, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તથા પાટણ નગરપાલિકાના ચીફ ઑફિસરશ્રી પાંચાભાઈ માળી સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ તથા પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.