મહેમદપુરા ખાતે પારેવીયા વીર મંદિરના જીર્ણોદ્ધારીત મંદિર સંકુલનું લોકાર્પણ કરતાં નીતિનભાઈ પટેલ
પાટણ તાલુકાના મહેમદપુરા ખાતે પારેવીયા વીર મંદિરના જીર્ણોદ્ધાર કરેલા મંદિરના સંકુલનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું. જાણીતા ઉદ્યોગપતિ પદ્મશ્રી ડૉ. કરશનભાઈ પટેલ તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી કે.સી.પટેલની ઉપસ્થિતિમાં મંદિરના જીર્ણોદ્ધારમાં યોગદાન આપનાર દાતાશ્રીઓનું મહાનુભાવોએ સન્માન કર્યું હતું.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ કે, મોટાભાગે સરકારી કામોની વ્યસ્તતા વચ્ચે ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવા મળ્યું તે મારૂં સૌભાગ્ય છે. સિદ્ધરાજ જયસિંહના ઐતિહાસિક અને પુરાતન પાટનગર, રાણીની વાવ અને દાતાઓના શહેર પાટણમાં ભારતીય સંસ્કૃતિને અનુરૂપ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે આવા પ્રસંગો પરથી ભાવિ પેઢીને આપણા સંસ્કારો જાળવી રાખવાનો સંદેશ મળશે.
વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષો પુરાણા મંદિરનો જીર્ણોદ્ધાર કરવા સાથે મંદિર પ્રાંગણમાં યાત્રાળુઓને રહેવા માટે રૂમ તથા ભોજનાલય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસર અને તેની આસપાસની સ્વચ્છતા સરાહનીય છે, તેનાથી મંદિરમાં પવિત્ર વાતાવરણ ઉભુ થાય છે.
જાણીતા ઉદ્યોગપતિ પદ્મશ્રી ડૉ.કે.કે.પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી કે.સી.પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પારેવીયા વીર મંદિરના જીર્ણોદ્ધારમાં સહયોગ આપનાર દાતાશ્રીઓનું નાયબ મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે મંદિરના ટ્રસ્ટીગણ તથા મંદિરનો જીર્ણોદ્ધાર કરનાર શિલ્પી દ્વારા મહાનુભાવોનું મોમેન્ટો અને શાલ અર્પણ કરી અભિવાદન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, પૂર્વ સંસદીય સચિવશ્રી રણછોડભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, દાતાશ્રીઓ, મંદિરના ટ્રસ્ટીગણ, ગ્રામજનો તથા ભક્તોજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.