Western Times News

Gujarati News

માર્કેટ યાર્ડ ખેડૂતો માટે ધોરીનસ સમાન પાટણ APMC.માં શેડ માટે રાજ્ય સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે : નીતિનભાઈ પટેલ

પાટણ એ.પી.એમ.સી. પાસે ચાણસ્માથી ડિસા રાજ્ય ધોરીમાર્ગ પર નિર્માણ પામનાર ફ્લાયઓવર બ્રીજનો નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન સમારોહ યોજાયો. નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવનિર્મિત કાનૂની માપ વિજ્ઞાન કચેરીનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા પાટણથી ચાણસ્મા રોડ પર એ.પી.એમ.સી પાસે આવેલા રેલવે ઓવરબ્રીજનું પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામકરણ કરવામાં આવ્યું.

આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં આવનાર સમયમાં બનનાર પાંચ પુલ પૈકી લાખો લોકોની અવરજવરથી વ્યસ્ત પાટણ ખાતે ફ્લાયઓવર બનાવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહેલા નગરજનોની અગવડ દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ.૨૭ કરોડના ખર્ચે આ ઓવરબ્રીજ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી હસ્તકના શહેરી વિકાસ વિભાગ દ્વારા પાટણમાં રેલવે બ્રીજ પણ બનવા જઈ રહ્યો છે ત્યારે પાટણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટીએ વિકસીત શહેર બની રહ્યું છે. સાથે સાથે નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા પાટણથી ચાણસ્મા રોડ પર એ.પી.એમ.સી પાસે આવેલા રેલવે ઓવરબ્રીજનું પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામકરણ કરવામાં આવ્યું.

એ.પી.એમ.સી. ખાતે ખેડૂતોને સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માર્કેટ યાર્ડ ખેડૂતો માટે ધોરીનસ સમાન છે. માર્કેટ યાર્ડમાં કૃષિ અને સહકાર વિભાગના સંકલનથી ખેતીની આવક અને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા ખેતપેદાશોના સારા ભાવથી ખેડૂતો અને પાટણની કાયાપલટ થશે. ખેડૂતોને પૂરતા પોષણક્ષમ ભાવો જાહેર હરાજી દ્વારા સંતોષકારક રીતે મળી રહે તે જરૂરી છે. ઉંઝા, મહેસાણા, કડી અને વિસનગરમાં રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે શેડ બનાવવામાં આવ્યા છે. તે રીતે પાટણ એ.પી.એમ.સી.માં શેડ સહિતની જરૂરી સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકાર દ્વારા તમામ મદદ કરવામાં આવશે.

 વધુમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના થકી ગામે ગામ પાણી પહોંચાડ્યા છે. તળાવ, કાંસ અને નાળાઓ પાણીથી છલકાયા છે ત્યારે ખેડૂતો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી ન થયુ હોય તેટલુ શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. સિંચાઈના પાણીની સાથે સાથે ખેત ઉત્પાદનોની રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ખેડૂતોની મહેનત અને રાજ્ય સરકારની મદદથી ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૨૦ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પરીપૂર્ણ કરવા પી.એમ. કિસાન યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ખેડૂતોના ખાતામાં રૂ.૬૭૦૦ કરોડ જમા કરવામાં આવ્યા છે.

પાટણની નવજીવન ચોકડી પાસે વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ફ્લાયઓવર બ્રીજ બનાવવામાં આવશે. ચાણસ્માથી ડિસા સુધીના રાજ્ય ધોરીમાર્ગ પર વધતા જતા ટ્રાફિક અને તેના કારણે પાટણના નગરજનોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી રૂ.૨૭ કરોડના ખર્ચે ૭૦૬ મીટર લાંબા ફ્લાય ઓવરનું નિર્માણ કરવામાં આવશે. શહેરના ટ્રાફિકને નડતરરૂપ થયા વગર ચાણસ્માથી ડીસા રોડ પરના વાહનો બાયપાસ જઈ શકશે. બ્રીજની સાથે સાથે શહેરીજનો માટે સર્વિસ રોડ પણ તૈયાર કરવામાં આવશે.

કુપોષણમુક્ત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા સરદાર ગંજ મર્ચન્ટ એસોશિએશન દ્વારા ૧૦૦૧ કીલો ખજૂર, ૩૫૦ કીલો ચીકી તથા ૫૦૦ કીલો ફળ નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે ૫૦૦ જેટલી આંગણવાડીના બાળકો તથા ધારપુર હોસ્પિટલના દર્દીઓ અને મૂક-બધિર શાળાના વિદ્યાર્થીઓ માટે અર્પણ કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રીશ્રી દ્વારા સહકાર વિભાગના અગ્રણીશ્રી વિનોદભાઈ પટેલનું ધી મહેસાણા ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટીવ બેંકના નવનિયુક્ત ચેરમેનશ્રી તરીકે વરણી થવા બદલ સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા સંગઠનના પ્રદેશ મહામંત્રીશ્રી કે.સી.પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખશ્રી મોહનભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના પ્રમુખશ્રી મહેન્દ્રભાઈ પટેલ, ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશનના મિશન ડાયરેક્ટરશ્રી હર્ષવર્ધન મોદી, જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા તથા માર્ગ અને મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, માર્કેટ યાર્ડના હોદ્દેદારો, વેપારી મંડળો તથા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.