પ્રવાસનને કારણે કચ્છ જેવા અછતગ્રસ્ત વિસ્તારની તકદીર અને તસ્વીર બદલાઈ છે: પ્રહલાદસિંહ પટેલ
પ્રવાસન ક્ષેત્રે વિશ્વ વિખ્યાત કચ્છના સફેદ રણ મધ્યે દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુ થી દ્વિ દિવસીય સેમીનારને કેન્દ્ર સરકારના રાજ્ય કક્ષાના પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી પ્રહલાદસિંહ પટેલ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી પટેલે જણાવ્યું હતું કે, પ્રવાસનના વિકાસથી તે વિસ્તારની તકદીર અને તસ્વીર બદલાય છે. કચ્છ તેનું પ્રત્યક્ષ જીવંત ઉદાહરણ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કચ્છના સફેદ રણને આજે વૈશ્વિક ફલક ઉપર મૂકયું છે. પ્રવાસનને કારણે જે તે વિસ્તારમાં રોજગારીનું સર્જન થાય છે. પ્રવાસનને કારણે આજે કચ્છ જેવા અછતગ્રસ્ત વિસ્તારમાં વિપુલ પાયે રોજગારીનું સર્જન થયું છે અને કચ્છની પરંપરાગત સાંસ્કૃતિક વિરાસત પણ જળવાઈ રહી છે. આપણા દેશમાં કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વૈવિધ્યતા ભરપૂર છે.
આ સેમિનારનો હેતુ ક્ષેત્રીય પ્રવાસન ક્ષેત્રે રહેલી તકો ઓળખીને સ્થાનિક સહભાગીદારી દ્વારા પ્રવાસન વિકાસ કરવાનો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય સરકાર દ્વારા કચ્છમાં રણ પછી હવે દરિયાઈ પર્યટન ક્ષેત્રે વિકાસ કરવા બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરવાની જાહેરાત સાથે માંડવી બીચ ઉપર પ્રવાસીઓને આકર્ષવા માટે ટેન્ટ સીટીનું નિર્માણ કરાયું હોવાનું જણાવ્યું હતું. કેન્દ્રીય પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી પટેલે ધોરડો સફેદ રણ જતા પૂર્વે ૨૦૦૧ ના ભૂકંપમાં ભુજમાં ધ્વંશ થયેલ ઐતિહાસિક રાવ લખપતજીની છતરડીના પુનઃ નિર્માણની થઈ રહેલ કામગીરી નિહાળી હતી. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા, રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, રાજયકક્ષાના પ્રવાસન મંત્રી વાસણભાઇ આહીર ઉપસ્થિત રહ્યા હતા.