Western Times News

Gujarati News

સોલામાં રૂ.૬.૭પ લાખની ઘરફોડ ચોરી

શહેરના સોલા હાઈકોર્ટ, નવરંગપુરા, સરદારનગર વિસ્તારમાં તસ્કરો ત્રાટક્યા

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં તસ્કરોના વધતા જતા આંતક વચ્ચે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહયા છે શહેરના છેવાડાના વિસ્તારો તસ્કરો માટે સોફટ ટાર્ગેટ બની ગયા છે. શહેરના સોલા હાઈકોર્ટ વિસ્તારમાં ચોરીની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. આ વિસ્તારમાં તસ્કરોએ રાત્રિ દરમિયાન ઘરમાં પ્રવેશ કરી રૂ.૬.૭પ લાખના મુદ્દામાલની ચોરી કરતા ફફડાટ ફેલાયો છે જયારે આ જ વિસ્તારમાં પાર્ટી પ્લોટની બહાર પાર્ક કરેલી કારમાંથી રૂ.ર.ર૦ લાખના મુદ્દામાલની ચોરી થતાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત શહેરના નવરંગપુરા તથા સરદારનગર વિસ્તારમાં પણ ચોરીની ઘટનાઓ ઘટી છે.

આ અંગેની વિગત એવી છે કે શહેરના સોલા પોલીસ સ્ટેશન હેઠળના સાયન્સ સીટી રોડ પર આવેલા મલય વિલા બંગ્લોઝમાં રહેતા નિમેષભાઈ અરવિંદભાઈ પટેલના ઘરમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતાં મકાનના રસોડાની બારીનો કાચ તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રૂપિયા મળી કુલ રૂ.૬.૭પ લાખનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતાં ઘરમાં માલસામાન વેરવિખેર જાવા મળતા તાત્કાલિક નિમેષભાઈએ પોલીસને જાણ કરી હતી

ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં આટલી મોટી રકમની ચોરી થતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. સોલા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીની બીજી એક ચોંકાવનારી ફરિયાદ નોધાઈ છે.

જેમાં એસ.પી. રીંગરોડ પર આવેલા એવરગ્રીન પાર્ટી પ્લોટમાં વહેપારી કિરણભાઈ પ્રફુલભાઈએ પોતાની કાર પાર્ક કરી હતી તસ્કરોએ ગાડીનો કાચ તોડી કારમાં મુકેલા બે પર્સની ચોરી કરી હતી પર્સમાં સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ.ર.ર૦ લાખનો મુદ્દામાલ હતો આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ વણઝારાની લખુડી તળાવ સર્કલ પાસે આવેલી દુકાનમાંથી તસ્કરોએ શટરના તાળા તોડી રૂ.૧.પ૦ લાખની રોકડની ચોરી કરી હોવાની ફરિયાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

જયારે સરદારનગર વિસ્તારમાં નરોડા ચામુંડાની ચાલીમાં રહેતા નંદુબેને ફરિયાદ નોંધાવી છે કે રાત્રિના સમયે ઘરના ધાબા પરથી અજાણ્યા શખ્સોએ ઘરમાં પ્રવેશ કરી કુલ રૂ.૧.૧૭ લાખના મુદ્દામાલની ચોરી કરી છે આ અંગે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.