પુલવામા શહીદોને નરેન્દ્ર મોદી, અમિત શાહએ શ્રદ્ધાંજલિ આપી
નવીદિલ્હી, ગત વર્ષે આજના દિવસે એટલે કે ૧૪ ફેબ્રુઆરીના રોજ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ દ્વારા પુલવામા જિલ્લામાં આવેલ કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળના કાફીલા પર જમ્મૂ-શ્રીનગર નેશનલ હાઇ વે પર આત્મઘાતી હુમલો કર્યો હતો. આ હુમલામાં ૪૦ જવાન શહીદ થયા હતા. આ આતંકી ઘટનાની આજે પહેલી વરસી પર મોદી, અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથસિંહે સીઆરપીએફના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી છે.
મોદીએ ટવિટ કરી જણાવ્યું કે પુલવામાં હુમલામાં પોતાનો જીવ ગુમાવનારા બહાદુર શહીદોને શ્રદ્ધાંજલિ. દેશ શહીદોની શહાદતને ક્યારેય ભુલશે નહીં.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શહીદોને નમન કરતાં કહ્યું કે ભારત હંમેશા પોતાના બહાદુર અને તેમના પરિવારના આભારી રહેશે જેમણે માતૃભૂમિની સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું. અમિત શાહે ટવિટ કરી જણાવ્યું છે કે હું પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપું છે.
રક્ષા મંત્રી રાજનાથસિંહ શહીદોને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું કે ભારત તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. ૨૦૧૯માં આજના દિવસે પુલવામામાં નરસંહાર હુમલા દરમિયાન પોતના કર્તવ્ય પથમાં ચાલતા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ.ભારત તેમના બલિદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. સંપૂર્ણ રાષ્ટ્ર આતંકવાદ વિરુધ્ધ એકજૂટ છે. પોતાના વીર જવાનોને યાદ કરતાં સીઆરપીએફે કહ્યું કે અમે નથી ભૂલ્યાં કે ન માફ કરીશું. સીઆરપીએફએ ટવિટ કરતાં કહ્યું કે તમારી બહાદુરીના ગીત, કર્કશ અવાજમાં ખોવાશે નહીં. ગર્વ એટલો હતો કે અમે બહુ સમય રડ્યાં નહીં. અમે ભૂલ્યાં નથી, અમે માફ નહીં કરીએ.