પૂંચમાં પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબાર: એકનું મોત
નવીદિલ્હી, પાકિસ્તાને ફરી એકવાર આજે નાપાક હરકત કરી હતી. પાકિસ્તાની રેન્જર્સ દ્વારા પૂંચ સેક્ટરમાં જારદાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાની સેના તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ભારતીય સેના તરફથી પણ જારદાર જવાબ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાની ગોળીબારમાં એકનું મોત થયું છે. આ હુમલામાં ચાર લોકો ઘાયલ થયા છે. પુલવામા હુમલાની વરસીના દિવસે જ પાકિસ્તાન તરફથી આ હરકત કરવામાં આવી હતી. આ પહેલા ૮મી ફેબ્રુઆરીના દિવસે પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો જેમાં ભારતીય જવાન રાજસ્થાનના રાજવીરસિંહ શેખાવત શહીદ થયા હતા. ભારતીય સેનાએ હજુ સુધી આ સંદર્ભમાં કોઇ પ્રતિક્રિયા આપી નથી. સમાચાર અહેવાલમાં ગોળીબાર થયો હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. પૂંચ સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા વારંવાર યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કરવામાં આવે છે. હવે નવેસરથી આ ગોળીબાર કરવામાં આવ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા ઉશ્કેરણીજનક કૃત્યોને લઇને ભારતીય સેના આક્રમક છે.