ચારણવાડાના નિવૃત્ત આર્મી જવાનનું ગ્રામજનોએ ભવ્યાતિભવ્ય વરઘોડા સાથે સામૈયું દેશભક્તિના રંગે રંગાયું ગામ
માં- ભોમની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૧૯ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત્ત થયેલા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ચારણવાડાના ગામના રમણસિંહ પરમાર માદરે વતને પહોંચતા ગ્રામજનોએ ગામના પ્રવેશદ્વારે મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે ભવ્ય સામૈયું કરી અબીલ-ગુલાલની છોળો સાથે વરઘોડો કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું.
ચારણવાડાના ગામના રમણસિંહ પરમાર યુવા અવસ્થામાં પગ મુક્તાની સાથે દેશની સરહદો પર સુરક્ષા કરવા માટે આર્મીમાં જોડાયા હતા દેશની વિવિધ જગ્યાએ ૧૯ વર્ષ સુધી માં-ભોમ ની રક્ષા કરી નિવૃત્ત થયેલા આર્મી જવાનનું ગ્રામજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું આર્મી જવાનના પરિવારજનોએ અને ગ્રામજનોએ કુમકુમ તિલક કરી ફુલહારથી સ્વાગત કર્યું હતું અને સમગ્ર ગામમાં દેશભક્તિના ગીત-સંગીત સાથે વરઘોડો કાઢવામાં આવતા સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.આર્મી જવાનની નિરંતર ૧૯ વર્ષ સુધી કરેલી દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી.
૧૯ વર્ષ દેશની સુરક્ષા કરી વતન ફરેલા નિવૃત્ત આર્મી જવાને મળેલ અવકારાથી અભિભૂત થયા હતા અને માં-ભોમની રક્ષા કરવા ગામના અને સમાજના યુવાનોને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરશે તેવું જણાવ્યું હતું