યવતમાલમાં વેન પુલ પરથી ખાબકી, ૮ લોકોના મોત થયાં
મુંબઈ, યવતમાલમાં એક પિકઅપ વેન પુલ નીચે પડી જવાથી ૮ લોકોના મોત થયા છે જ્યારે ૧૮ લોકોને ઈજા થઈ છે. અકસ્માતનો ભોગ બનનાર લોકો કોઠેશ્વર મંદિરમાં સંબંધીની અસ્થિનું વિસર્જન કરવા ગયા હતા. વિધિ પતાવ્યા બાદ તેઓ જોડમોહા પરત ફરી રહ્યાં હતા. ત્યારે ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવી દીધું અને વેન ઝાડ સાથે અથડાઈને પુલ પરથી ૨૫ ફીટ નીચે ખાબકી હતી. આ અકસ્માતને નજરે જોનારના જણાવ્યા મુજબ ઘટનામાં ૬ લોકોના સ્થળ પર જ મોત થયા હતા. આ સિવાય અન્ય બે લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
ઘટનાની માહિતી મળ્યા બાદ આસપાસના લોકો મદદ માટે અકસ્માતના સ્થળે પહોંચ્યા હતા. આસપાસના પોલીસ સ્ટેશનની પોલીસ અને અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘાયલોને હાલ જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.