એટીએમમાંથી રોકડ નાણા ઉપાડવાનું મોંઘુ થશે
નવી દિલ્હી, એટીએમમાંથી રોકડ ઉપાડવાના ચાર્જમાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. પહેલા જ એટીએમની અછતથી મુશ્કેલી અનુભવતા લોકો માટે આ બેવડામાર જેવો ઘટનાક્રમ હતો. દેશના એટીએમ ઓપરેટર્સ એસોસીએશને રીઝર્વ બેન્કને પત્ર લખી રોકડ ઉપાડવાની ઈન્ટર ચેન્જ ફી વધારવાની માંગણી કરી છે. એટીએમ ઓપરેટર્સનું કહેવુ છે કે જો આવુ નહિ થાય તો અમારા બીઝનેશને મોટું નુકશાન થશે. પહેલા જ એટીએમની સંખ્યા ઓછી છે અને પછી મોટી સંખ્યામાં તે ઓપરેશ્નલ નથી એવામાં ઓપરેટરોની આ માંગ ચિંતા વધારે તેવી છે. તેઓનું કહેવુ છે કે નવા સુરક્ષા નિયમો લાગુ થયા બાદ એટીએમ મશીનોનું સંચાલન મોંઘુ થઈ ગયુ છે. કંપનીની આવકમાં વધારા વગર આ ખર્ચ વધી ગયો છે. હાલ ૫ ફ્રી એટીએમ ટ્રાન્ઝેકશન બાદ પ્રતિ ઉપાડ પર ૧૫ રૂ.નો ચાર્જ લેવાય છે. ૧૦ લાખની વસ્તીવાળા શહેરોમાં ઈન્ટર ચેન્જ ફી પ્રતિ વ્યવહાર ૧૭ રૂ. અને પૈસા ઉપાડવા સિવાય કોઈ અન્ય વ્યવહાર પર ૭ રૂ.ની ફી લેવા સૂચન થયુ છે.