હરિયાણાના કુરૂક્ષેત્રમાં ગેસ લીક થતાં 50 બેહોશ, 5 ગંભીર
કુરૂક્ષેત્ર, હરિયાણાના કુરૂક્ષેત્ર વિસ્તારમાં એક કોલ્ડ સ્ટોરેજનો એમોનિયા ગેસ લીક થતાં એકસો વ્યક્તિને એની અસર થઇ હતી. 50 જણ બેહોશ થઇ ગયા હતા અને એમાંના પાંચની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલ હતા. કુરુક્ષેત્ર-ઠોલ માર્ગ પરના નલવી ગામમાં આવેલા કોલ્ડ સ્ટોરેજનો ગેસ લીક થયો હતો.
તમામ અસરગ્રસ્તોને શાહબાદની જિલ્લા હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ગંભીર કેસને લોકનાયક જયપ્રકાશ નારાયણ હૉસ્પિટલમાં રિફર કરાયા હતા, આ ઘટનાથી આસપાસનાં અનેક ગામોમાં ભયનું સામ્રાજ્ય ફેલાઇ ગયું હતું. જિલ્લા વહીવટી તંત્રે તપાસનો આદેશ આપ્યો હતો. મંગળવારે રાત્રે હરગોવિંદ કોલ્ડ સ્ટોરેજનો ગેસ લીક થયો હતો. એના પગલે નજીકના ગામ સુજાનપુર ડેરા બાજીગરના લોકોને ઝેરી અસર થઇ હતી.